ગાંધીનગરઃ ગુજરાત સરકારે નલિયા સેક્સ કાંડની તપાસ માટે રચાયેલા જસ્ટીસ દવે કમિશન પાછળ ગુજરાત સરકારે 70,27,238 રૂપિયાના ખર્ચ કર્યો છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે પ્રશ્નોત્તરી કાળમાં નલિયા સેક્સ કાંડની તપાસ માટે રચાયેલા જસ્ટિસ દવે પંચની કામગીરી અંગે ચર્ચા થઈ હતી.
આ ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મુસડીયાએ જસ્ટિસ દવે કમિશનના ખર્ચ અંગે પ્રશ્ન કર્યો હતો. તેના જવાબમાં સરકારે આ જવાબ આપ્યો હતો. સરકારે જણાવ્યું કે, આ કમિશનની પ્રથમ બેઠક 19 માર્ચ, 2018ના રોજ મળી હતી.
બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યોએ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને અન્યાય થતો હોવાના આક્ષેપ કર્યા હતા. કેન્દ્રમાં પણ ભાજપ સરકાર હોવા છતાં વર્ષો જૂના પ્રશ્નો હલ કરવા માટે ગુજરાત સરકારે પ્રયાસ ન કર્યાનો કોંગ્રેસના ધારાસભ્યોએ આક્ષેપ લગાવ્યો હતો.
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્ય સરકાર પર કટાક્ષ કરતાં કહ્યું કે, કેન્દ્ર સરકારે 14 મુદ્દે ગુજરાત સાથે અન્યાય કર્યો છે. અગાઉ યુપીએ સરકાર હતી ત્યારે રાજ્યની તત્કાલિન મોદી સરકાર કેન્દ્ર પાસે માંગણીઓ કરતી હતી અને અન્યાય થયાનું કહેતી હતી. હવે તો કેન્દ્રમાં મોદી સરકાર છે છતાં 2013થી પડતર પ્રશ્નો હજુ હલ થયા નથી.
અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી કરવાની બાબતે સરકારે લોકોને લોલીપોપ આપી હોવાનો પણ વિપક્ષ કોંગેસે આક્ષેપ કર્યો હતો. વર્ષોથી અમદાવાદનુ નામ કર્ણાવતી થાય તેવી માંગ ઉઠતી રહી છે. બે વર્ષ અગાઉ ઉત્તર પ્રદેશની શહેરોનાં નામ બદલ્યાં તે પછી અમદાવાદનું નામ કર્ણાવતી થશે તેવા દાવા થયા હતા. પરંતુ છેલ્લા બે વર્ષમાં કર્ણાવતી નામ કરવા માટે સરકાર તરફથી કોઈ રજૂઆત ન થયાનો પણ વિપક્ષે આક્ષેપ લગાવ્યો હતો.
વિપક્ષો આક્ષેપ કર્યો કે, અમદાવાદ શહેર હજુ મેટ્રો સિટી જાહેર નથી થયું અને ગુજરાત સરકારે કેન્દ્રમાં આ અંગે દરખાસ્ત પણ નથી મૂકી. લોકરક્ષક દળની ભરતી પરીક્ષાના પેપર લીક અંગે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું કે, આ પ્રકરણમાં હજુ 16 આરોપીઓ ઝડપાયા નથી જ્યારે 20 આરોપીઓની પોલિસે ધરપકડ કરી છે. જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીના પ્રશ્નના જવાબમાં ગૃહ વિભાગે આ વિગત આપી હતી.