નર્મદાઃ નર્મદાના કેવડિયા ખાતે સાધુબેટ પર વાર્ષિક ઓલ ઈન્ડિયા ડીજી કોન્ફરન્સમાં હાજરી આપવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટિ પહોંચ્યા છે. બે દિવસ ચાલનારી ડીજી કોન્ફરન્સ કેવડિયા કોલીમાં આવેલ ટેન્ટ સિટીમાં યોજવામાં આવી છે.
મોદીએ અહીં સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને ફ્લાવર ઓફ વેલીની મુલાકાત લીધી હતી. મોદીએ અહીં જમીન સંપાદન મુદ્દે આંદોલન કરી રહેલા આદિવાસીઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આદિવાસીઓએ 'જમીનો બચાવો આદિવાસી બચાવો' આંદોલનને લઇને 3 દિવસનું બંધનું એલાન આપ્યું છે.
આ અગાઉ વડાપ્રધાન મોદી વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા જ્યાં તેમનું મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા સ્વાગત કરાયું હતું. કેવડીયાથી ગરુડેશ્વર પદયાત્રા લઇ નીકળેલા કેવડિયા, કોઠી, વાઘડીયા, નવાગામ, લીમડી, ગોટા છ ગામના અસરગ્રસ્તો દ્વારા ત્રણ દિવસ ગરુડેશ્વર કેવડિયા બંધનું એલાન આપ્યું હતું.
જેને વેપારીઓએ ટેકો આપી આજે સજ્જડ બંધ પાળ્યો હતો. કેવડિયા કોલોની અને ગરુડેશ્વરમાં વહેલી સવારથી જ ચાની લારીથી લઇ દુકાનો, પાનના ગલ્લા બંધ રહ્યાં હતાં. સ્થાનિક વેપારીઓએ અસરગ્રસ્તોના બંધના એલાનને સમર્થન આપી દુકાનો બંધ રાખી હતી.
ગ્રામજનોની માંગણી છે કે તેમની જે જમીન પડતર રહી છે તે જમીન તેમને પરત આપવામાં આવે તેમજ જે જમીન સરકારે ૧૯૬૧-૬૨માં લીધી હતી જેમાં હવે તેઓ અલગ અલગ રાજ્યના ૩૩ ભવનો બનાવવાના છે તે ન બનાવવામાં આવે અને તેમને જમીનો પાછી આપવામાં આવે.
રાજપીપળા કલેક્ટર કચેરી ખાતે આદિવાસીઓએ બીજા દિવસે પણ પોતાની ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. ગરૃડેશ્વર તાલુકાના આસપાસના ગામોમાં ઘરો ઉપર કાળી ધજા ફરકાવાઇ હતી. અમો આદિવાસીઓને ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારે મારવા હોય તો અમને ગોળી એ મારી દો, અમારા ઉપર બોમ્બ ફેંકી દો પણ હવે અમારા ગામોની ૧ ઇંચ પણ જમીન આપવા માંગતા નથી.
આ પ્રોજેકટ બંધ કરવામાં આવે અને આદિવાસીઓને તેમની જમીન પરત આપવામાં આવે. નર્મદા નદીના ગોરા બ્રિજ પર આદિવાસીઓએ મોદીના પૂતળાને ફાંસી આપી હતી તેના પર લખ્યું હતું કે, 'હું નરેન્દ્રભાઈ મોદી, મારાથી 6 ગામ અને 19 ગામોના પ્રશ્ન ન ઉકેલી શકતા હું આત્મહત્યા કરું છું.
નોંધનીય છે કે આ કોન્ફરન્સમાં ડીજી, એડીજીપી અને એજીપી સહિતના અધિકારીઓ હાજર રહેવાના હોવાના કારણે સખ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.