સુધીર એસ. રાવલ
સફળતા એ વ્યાપક અર્થમાં સમજવા માટેનો શબ્દ છે. જીવનના પ્રત્યેક તબક્કે, પ્રત્યેક વ્યક્તિ માટે, ખાસ કરીને નિર્ધારીત ધ્યેય સાથે જીવન જીવવા માંગતા લોકો માટે ધ્યેયપ્રાપ્તિની સફળતા અનિવાર્ય છે. સફળતાની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી પરંતુ, તેને સમજવી હોય તો કહી શકાય કે તે અનેક બાબતોનું મિશ્રણ છે. સફળતા સકારાત્મક પણ હોય અને નકારાત્મક પણ હોય, પરંતુ સકારાત્મક સફળતા લોકાદર પામે છે અને સર્વત્ર વખણાય છે. કેટલાંક કિસ્સાઓમાં તો સફળતા પૂજાય પણ ખરી. આવી સફળતાનો બારીકીથી અભ્યાસ કરીએ તો સમજાય છે કે, સફળતા એ નિરંતર સુધારાણાની પ્રક્રિયા છે, પ્રગતિ છે, ઉત્સાહ છે, હિંમ્મત છે, સકારાત્મક અભિગમ છે, પુરુષાર્થ છે, મૂલ્યનિષ્ઠા છે, સેવાની સુગંધ છે, પ્રયત્નોની હારમાળા છે, સંઘર્ષ અને સાધનાની પગદંડી છે, ધીરજની કસોટી છે, અને આત્મવિશ્વાસનું અજવાળું પણ છે. આવી બાબતોનો સરવાળો માણસને સફળથી સફળત્તમ સુધી દોરી જાય છે.
વર્તમાન સમયમાં આવી સફળતાનો સાક્ષાત્કાર કરવો હોય તો, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ કોઈનું પણ ધ્યાન જાય. તેમના વિશે આજની તારીખે વિવિધ ભાષાઓમાં સેંકડો પુસ્તકો લખાઈ ચૂક્યા છે. તેમની કારકિર્દી પર દ્દષ્ટિપાત્ કરીએ તો તેઓના કરોડો ચાહકો તેમની અનેક ઉપલબ્ધિઓ પર ગૌરવ ધરાવે છે અને ખુશખુશાલ છે, તો બીજી તરફ તેમના ટીકાકારોની સંખ્યા પણ ઘણી મોટી છે, જેઓને નરેન્દ્ર મોદીમાં અનેક અવગુણો અને નિષ્ફળતા દેખાય છે. સત્ય આ બંને અંતિમોની વચ્ચે ક્યાંક હોઈ શકે, છતાં તેઓની સફળતા જે છે, તે નિર્વિવાદ છે. આનું રહસ્ય સમજવા જેવું છે. એક સફળત્તમ રાજપુરૂષ તરીકે તેઓના વ્યક્તિત્વ અંગેના તેમના જેટલા જાહેરપાસાઓ દુનિયાની નજર સમક્ષ છે, તેના કરતા અનેકગણા વધુ અજાણ્યા પાસાઓ છે. એ રહસ્ય શાસનપથ પરના મહત્વના કે મોટા નિર્ણયોમાં જે સમજાય છે, તેના કરતાં વધુ એક વ્યક્તિ તરીકે તેમના જીવનપથની કેડી પર વધુ સમજવા મળે છે. તેમને નજીકથી જાણતા લોકો તેમની દિનચર્યા, રોજીંદા જીવનક્રમ, વ્યવહાર, સ્વભાવ, કાર્યશૈલી, વિચારો, સંવેદના કે પ્રાથમિકતાઓથી સારા એવા વાકેફ છે, જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એક વ્યક્તિ તરીકે નરેન્દ્ર મોદી વચ્ચેનો ભેદ પણ તારવી શકે છે.
વડાપ્રધાન મોદીનું જનમાનસમાં એક ચિત્ર કઠોર નિર્ણયો કરી શકનાર મક્કમ શાસકનું છે, જે પોતાની વાતમાં પીછેહઠ કરતા નથી અને તે માટેની કિંમત ચૂકવવા માટે પણ સદા તત્પર રહે છે, જ્યારે આ જ નરેન્દ્ર મોદીની સંવેદનશીલતાનો પરિચય કરાવતા અનેક કિસ્સાઓ રોજ-બરોજની દિનચર્યામાં નોંધાતા રહે છે, તે તેમના નજીકના વર્તુળોમાં જાણીતી બાબત છે. ઘણીવાર તેઓને મળતી સુવિધાઓ તથા જાહેર ગતિવિધીમાં તેમને મળતી વીવીઆઈપી સેવાઓ આંખોને આંજી દે તેવી હોય છે, પરંતુ લોકમેળાવડાઓ વચ્ચેની તેમની હાજરી દરમિયાન બાળકો વચ્ચે પહોંચી જવુ, યુવક-યુવતિઓને સલામતિ રક્ષકો સાથેના પ્રોટોકોલની પરવા કર્યા વગર મેદની વચ્ચે હસ્તાક્ષર આપવા, પીઠ થાબડવી, વ્યક્તિગત પ્રેરિત કરવા, તે બધુ તેમને એક વડાપ્રધાન તરીકે નહિં, પરંતુ આમ-આદમી તરીકે આત્મિયતાસભર સ્વજનનું લોકહ્વદયમાં સ્થાન અપાવવામાં કારણભૂત છે. વિદેશ પ્રવાસમાં પણ દુનિયાના અન્ય નેતાઓ માટે પ્રોટોકોલની ઉપરવટનો તેમનો અંગત અને અનોખો વ્યવહાર આજસુધીના નેતાઓની બીબાઢાળ પધ્ધતિ સામે તદ્દન અનોખો અને આવકાર્ય રસમસમો સાબિત થયો છે.
સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેમની ઉપસ્થિતિ હોય ત્યારે આશ્ચર્યજનક રીતે તેઓ કલાકારોમાં ભળી જાય છે અને એવા ઓતપ્રોત થઈ જાય છે કે કલાકારોને પણ લાગે છે કે આ માણસ કલા વિશે જાણે પણ છે અને વધુ જાણવાની જીજ્ઞાસા પણ ધરાવે છે. પોતે વિદેશમાં વડાપ્રધાન તરીકે હાજર હોય અને જાહેર કાર્યક્રમમાં એક સામાન્ય માણસની માફક તબલાવાદન કરી શકે, તે કેટલું અનન્ય છે ! આદિવાસીઓનો કાર્યક્રમ હોય કે દિવ્યાંગોનો કાર્યક્રમ હોય, ઉદ્યોગકારોની બેઠક હોય કે બોલીવુડની સેલીબ્રિટીઓ વચ્ચે તેમની હાજરી હોય, નરેન્દ્ર મોદી પ્રત્યેકને આત્મિયતાનો સફળતાપૂર્વક સ્પર્શ કરાવી શકે છે, એ નાની વાત નથી. વળી જાહેરજીવનમાં આટલા ઉચ્ચસ્તરે અત્યંત કપરી જવાબદારીવાળા હોદ્દા પર બિરાજમાન હોવ ત્યારે ગુણપૂજાની બાબતમાં સાતત્ય અને આચરણની બાબતમાં સિદ્ધાંતનિષ્ઠ રહેવું અત્યંત કપરું હોવા છતાં નરેન્દ્ર મોદી તેમાં અગ્રેસર છે, તે તેમને અન્ય નેતાઓથી જુદા પાડે છે.
આ લખી રહ્યો છું ત્યારે તેમણે જ એકવાર કહેલા શબ્દો યાદ આવે છે. પ્રસંગ હતો 02 જુલાઈ-2017ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં ‘પ્રેસિડેન્ટ પ્રણવ મુખર્જી – અ સ્ટેટ્સમેન’ પુસ્તકના વિમોચન સમયનો. મીડિયાકર્મીઓને તેમણે રાજનેતાઓના વિષયમાં અભિપ્રાય આપતા પહેલાં ઉંડાણપૂર્વકના અભ્યાસનું સૂચન કરેલું. તેમણે કહેલું; ‘મને માફ કરજો, પણ દુનિયાએ અખબારોના માધ્યમથી જ રાજનેતાઓને જાણ્યા છે, પણ અખબારોની બારીમાંથી દેખાતા એ દ્દશ્યોની બહાર પણ રાજનૈતિક જીવનમાં જીવવાવાળુ કોઈ હોય છે. રોજે-રોજની ધમાલમાં અખબાર તેને જોઈ શકતુ નથી, પણ અભ્યાસ પછી જે નજર સામે આવે છે, ત્યારે તેને સમજાય છે કે રોજે-રોજ જોયેલા તે માણસની ઉપર પણ એક વધુ માણસ જીવી રહ્યો છે!’ આ શબ્દો ભલે સહજતાપૂર્વક કહેવાયા હતા, પરંતુ આ તેમની આંતરિક વેદના વ્યક્ત કરતી વાણી હતી, તે ત્યાં ઉપસ્થિત સૌ મહાનુભાવોને સમજાઈ ગયુ હતુ.
16 નવેમ્બર, 2016ના રોજ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની ગોલ્ડન જ્યુબલી ઉજવણી પ્રસંગે તેમણે સ્વીકાર્યુ હતું કે ‘ઘણીવાર ભૂલો થઈ જતી હોય છે. અમારાથી, તમારાથી કે કોઈનાથી પણ… પરંતુ માત્ર ભૂલોના જ આધારે કોઈનું મૂલ્યાંકન કરતા રહેવું કેટલું ઊચિત છે ? ભૂલોમાં સુધારણાનો સદા અવકાશ રહેલો હોય છે.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અનેક સિદ્ધિઓ સાથે કેટલીક ભૂલો પણ હશે, પરંતુ ભૂલનો પરિચય થવો, તે વ્યક્તિની પ્રમાણિકતાની અને સત્ય સ્વીકારવાની તત્પરતા દર્શાવે છે.
વડાપ્રધાન તરીકેની સિદ્ધિઓ અંગે ઘણું લખાયું છે, છતાં કેટલીક વાત વહિવટની પણ જોઈએ તો તેમના ન્યૂ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે વહિવટીતંત્રએ જે પ્રયત્નો કર્યા છે, તેમાં ઉર્જા, જળ, કૃષિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય, સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે, પરંતુ વધારે મહત્વનું એ છે કે તેમણે સમગ્ર વહિવટીતંત્રની કાર્યસંસ્કૃતિમાં પરિવર્તન કરવા હામ ભીડી છે તે કાબિલેદાદ છે. અનેક અવરોધો વચ્ચે પણ તેમના નિર્ધારીત લક્ષ્યાંકો પ્રમાણે દેશની કાયાપલટ કરવા મક્કમ પ્રયાસો હાથ ધર્યા તે છે. વહિવટકર્તા તરીકે તે આશ્ચર્યજનક અને પ્રશંસનીય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો સામાન્ય રીતે નવા-નવા કાયદાઓ બનાવવામાં નેતાઓ ગર્વ કરતા હોય છે, પરંતુ મોદીની વાત અલગ છે. કાયદો ઘણીવાર ભ્રષ્ટાચારની જનની બની રહેતો હોય છે અથવા તો સમયની સાથે અપ્રસ્તુત થઈ જતો હોય છે. નરેન્દ્ર મોદીએ અત્યાર સુધીમાં 1400થી વધુ જૂના કાયદાઓ રદ્દ કરી દીધા છે. આવા સમાચારોથી સામાન્ય જનતા માહિતગાર હોતી નથી.
તેમની પ્રથમ ટર્મના પાંચ વર્ષ દરમિયાન તેમની સરકારે લગભગ 7 કરોડ જેટલાં ‘બનાવટી’ લોકોને શોધી કાઢીને સરકારી રેકોર્ડમાંથી હટાવ્યા છે. આ 7 કરોડ લોકો સરકારી ચોપડે એવા હતા કે જેમનો જન્મ ક્યારેય થયો જ નથી ! આમ છતાં આ 7 કરોડ લોકો સરકારી સુવિધાઓનો અને અન્ય લાભો મેળવતા હતા ! વિચાર કરો, જેટલી સંખ્યા આખા બ્રિટન, ફ્રાન્સ કે ઈટાલીમાં છે તેનાથી વધારે ‘લોકો’ આપણે ત્યાં માત્ર કાગળ પર જીવી રહ્યા હતા !
અત્યારે નવી દિલ્હીમાં કિસાન આંદોલન ચાલી રહ્યું છે અને અનેક ખેડૂતો રણે ચઢ્યા છે. આ ખેડૂતોની માંગણી વ્યાજબી પણ હોય અને સરકારે સમસ્યાનું નિરાકરણ પણ કરવું જોઈએ, પરંતુ કૃષિક્ષેત્રે દૂરગામી લાભદાયક પરિણામો પ્રાપ્ત થાય, તેવી ઘણી પહેલો છેલ્લા 7 વર્ષ દરમિયાન થઈ છે, તે પણ હકિકત છે. મહિલાઓ અને યુવાનો માટે યોજનાઓ લાવવી અને લાભ આપવા તે દરેક સરકારની ફરજ છે, પરંતુ મોદી સરકારે તેઓનું કૌશલ્ય બહાર આવે, સ્પર્ધાત્મક વાતાવરણમાં આગળ વધી શકે, તે માટેની તકો ઉત્પન્ન કરવા માટે પણ વિવિધ પ્રયાસો કર્યા છે. શિક્ષણનીતિમાં આમૂલચૂલ પરિવર્તન કરવા માટેનું બીડું તેમની સરકારે ઉઠાવ્યું છે, તેમાં ભારતની સંસ્કૃતિને અનુરૂપ તથા ભવિષ્યના વિકાસને નજર સમક્ષ રાખી અભ્યાસપૂર્વક કાર્યક્રમ હાથ ધરાયો છે. ‘સ્વચ્છ ભારત અભિયાન’ અને દેશવાસીઓના આરોગ્ય માટે ‘આયુષ્યમાન ભારત’ જેવી તેમની મહત્વાકાંક્ષી યોજનામાં સ્વસ્થ ભારત માટેની તેમની પ્રાથમિકતા મહત્વપૂર્ણ છે. વિકાસના કાર્યોમાં જનભાગીદારી તેમની કાર્યશૈલીની વિશેષતા છે.
આપણી સંસ્કૃતિ, કળા, સંગીત, સાહિત્ય વિવિધ ભાષાઓ, પ્રકૃતિ, વેશ-પરિવેશ, ઉત્સવો, પરંપરાઓ એ સઘળી ભારતની અણમોલ વિરાસત છે. વિવિધતામાં એકતા એ આપણી વિશિષ્ટતા છે. નરેન્દ્ર મોદીએ આપણી આ લોકસંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા માટે અવિરત પ્રયાસો કર્યા છે, તે સરકારના કાર્યક્રમોમાં પ્રતિબિંબિત થાય છે. પોતે જે જે રાજ્યોમાં જાય ત્યાંની સંસ્કૃતિને અનુરૂપ ઓતપ્રોત થવા તથા ત્યાંની જનતાને આત્મિયતાની અનુભૂતિ કરાવવા માટે સભાનપણે પ્રયાસો કરતા રહે છે. બનારસી ગમછો હોય કે આસામ અથવા હિમાચલની વિશિષ્ટ ટોપી, કાશ્મિરી શાલ હોય કે પછી તામિલનાડુનું અંગવસ્ત્રમ, નરેન્દ્ર મોદીએ ત્યાંની સ્થાનિક વેશભૂષામાં લપેટાયેલી સંસ્કૃતિને સ્વયં ધારણ કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલું જ નહિં, બિહારમાં ભોજપુરી ભાષા કે તામીલનાડુમાં તમિલ ભાષામાં અભિવાદન માટેના શબ્દો બોલવાનું ચૂકે નહીં. આ જ રીતે જે પણ રાજ્યમાં જાય ત્યાંના વિખ્યાત લેખકો, કવિઓ, કલાકારો સાથે સંપર્ક કરવાની તક ચૂકતા નથી.
આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે, જે સાંપ્રદાયિક કટ્ટરતાના કારણે હોય છે. મોદી તેમનો ઉકેલ ભારતીય સંસ્કૃતિમાં છે, તે સમજાવે છે. 5, ફેબ્રુઆરી 2017ના રોજ એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેમણે આ વાત ઋગવેદના શ્લોક ‘એકમ સત્ વિપ્રાઃ બહુધા વદન્તિ’ દ્વારા સમજાવી હતી. શ્લોકનો અર્થ એવો છે કે સત્ય એક છે, સંતો એને અલગ-અલગ રીતે કહે છે. આપણી ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવના આખી પૃથ્વી પરની માનવજાતને એક પરિવાર માને છે. આપણા શ્લોક ‘સહનાવવતુ-સહ-નૌ ભુનક્તુ’માં ભાવ છે કે સર્વનું પોષણ થાય, સર્વને શક્તિ મળે, કોઈ કોઈનાથી દ્વેષ ન કરે. પર્યાવરણના સંદર્ભમાં તેઓ વૈશ્વિકમંચ પર ભારત સદીઓથી કેટલું અગ્રેસર છે, તેની ગૌરવપૂર્વક જાણકારી આપતા રહે છે. તેમણે 25 સપ્ટેમ્બર, 2015ના રોજ યુનાઈટેડ નેશનના શિખર સંમેલનમાં કહેલું કે ‘સમૃદ્ધિની તરફ જવા માટેનો અમારો માર્ગ ચીરસ્થાયી છે. અમે તેના માટે કટિબદ્ધ છીએ, અમારી આ કટિબદ્ધતાનું મૂળ નિશ્ચિતરૂપે અમારી સંસ્કૃતિ અને પરંપરાઓ સાથેનું અમારું જોડાણ છે.’ 24 નવેમ્બર, 2015ના રોજ સિંગાપુરના એક કાર્યક્રમાં તેમણે કહેલું કે, ‘મહાત્માં ગાંધીથી વધુ ચઢીયાતા હોય તેવા પર્યાવરણ માટેના કોઈ એમ્બેસેડર હોઈ શકે નહિં.’
યોગ એ ભારતની ઓળખ છે. યોગને વૈશ્વિકસ્તરે સ્વીકૃતિ અપાવવામાં નરેન્દ્ર મોદીનો સિંહફાળો છે. તેમના આહવાન પછી 21 જૂન, 2015 એટલે કે પ્રથમ વિશ્વયોગ દિવસના અવસરે એક તરફ નવી દિલ્હીનો લાંબો રાજપથ યોગપથમાં પરિવર્તિત થયેલો જોવા મળ્યો, બહેરીન, બાંગ્લાદેશ, દુબઈ, અફઘાનિસ્તાન અને મિસર જેવા દેશો સહિત દુનિયાના 192 દેશોમાં પણ એકસાથે યોગસાધનામાં અનેક લોકો મગ્ન જોવા મળ્યા. ભારતમાટે આ ગૌરવપ્રદ બાબત છે.
આવી અનેક બાબતો એવી છે જે સામાન્ય વહિવટકર્તા માટે પ્રાથમિકતાઓમાં હોતી નથી. નરેન્દ્ર મોદીને માત્ર વડાપ્રધાન તરીકે, શાસક તરીકે વહિવટકર્તાના રૂપમાં જ મૂલવવા, અને તેમના વહિવટી નિર્ણયો, નીતિઓ, કાર્યક્રમો, યોજનાઓ અને કાર્યસિદ્ધિઓના જ લેખા-જોખા કરવા, તેને તેમનું સંપૂણતઃ મૂલ્યાંકન ન કહી શકાય. વહિવટી કારકિર્દીના લેખાજોખામાં સિદ્ધિઓની સાથે ચોક્કસ ક્ષતિઓ અને ઉણપો હોવાની. લાખ્ખોની સંખ્યામાં સરકાર અને સંગઠન સ્તરે સાથીઓની મહેનત અને સકારાત્મક ભૂમિકા માટે જેમ યશ પણ નેતૃત્વને ફાળે જ હોય, એ જ રીતે સાથીઓની ભૂલ કે નકારાત્મક ભૂમિકા માટે અપયશ પણ તેમને ફાળે જ હોય, એ સ્વાભાવિક છે. રોજેરોજની ટીકાઓનો જવાબ વાળવો જરૂરી પણ હોતો નથી અને એ નરેન્દ્ર મોદીના સ્વભાવમાં પણ નથી. આમછતાં પ્રસંગોપાત કેટલાંક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તેમના અંગેની ટીકાઓના માર્મિક જવાબો ‘મન કી બાત’ કહીને આપી દેવાનું તેઓ ચૂકતા પણ નથી.
‘મન કી બાત’માં તેમણે એકવાર કહેલું કે, ‘સર્જીકલ સ્ટ્રાઈકની તારીખ બે વાર બદલવામાં આવી. આમાં ઘણું જોખમ હતું. લશ્કરી કાર્યવાહી માટે મેં સૈન્યને પૂરી છૂટ આપેલી. સૈન્યના અધિકારીઓએ આ જાણકારી આપી અને વાત ત્યાં જ પૂરી થઈ ગઈ, પરંતુ કેટલાંક નેતાઓએ એના અંગે સવાલો ઉભા કરવા માંડ્યા અને સર્જીકલ સ્ટ્રાઈકને રાજકીય રંગ અપાવા લાગ્યો. પાકિસ્તાન માટે એ જરૂરી હતુ, પરંતુ સૈન્યના ગૌરવને હાનિ પહોંચે તેવી ચર્ચાઓ યોગ્ય નથી.’ અન્ય એક મુદ્દે તેમણે કહેલું કે, ‘બીજેપી ઉચ્ચજાતિવાળાની પાર્ટી નથી, વડાપ્રધાનની જાતિ કઈ છે, તે બધા જાણે છે. બીજેપીમાં અનુસુચિત જાતિના સમાજના સૌથી વધુ સાંસદો છે.’ ત્રણ તલાકના અંગેના કાયદાના વિવાદ બાબતે તેમણે કહેલું કે, ‘‘ત્રણ તલાક’ ધાર્મિક મુદ્દો નથી. આ સમાનતાની બાબત છે. દુનિયાના કેટલાય મુસ્લિમ દેશોમાં ‘ત્રણ તલાક’ પર કાયદાકીય પ્રતિબંધ છે. પાકિસ્તાનમાં પણ ‘ત્રણ તલાક’ પર પ્રતિબંધ છે.’ ધાર્મિક ભેદભાવના આ જ પ્રકારના આક્ષેપો સામે કહેલું કે, ‘હું હિન્દુ, મુસલમાન, શીખ, ખ્રિસ્તી જેવી શબ્દાવલિઓમાં વિશ્વાસ નથી કરતો અને એટલે જ હું 6 કરોડ ગુજરાતી અને 125 કરોડ દેશવાસીઓની વાત કરું છુ. હિન્દુ અને મુસલમાન વિકાસની ગાડીના બે પૈડા છે. કોઈપણ દેશના વિકાસ માટે તેના લોકો વચ્ચે એકતા જરૂરી છે.’
ધાર્મિક ભેદભાવ અંગે વારંવાર થતી ટીકાઓ સામે તેમણે એકવાર કહેલું કે, ‘અમે માણસનો ધર્મ પૂછીને ગામડાઓમાં વિજળી નથી પહોંચાડતા.’ મોબલીંચીગની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ અંગે તેમણે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ શબ્દોમાં આપેલો છે કે, ‘મોબલીંચીગ એ સભ્ય સમાજ માટે શોભસ્પદ નથી. મોબલીંચીંગને સમર્થન સંપૂર્ણરીતે ખોટું છે અને મોબલીંચીંગની એક પણ ઘટના યોગ્ય નથી.’ કેટલાક ઉદ્યોગપતિઓ બેંકના પૈસા ડૂબાડીને વિદેશ ફરાર થઈ ગયા છે, તે અંગેની ટિકાઓનો પ્રત્યુત્તર વાળતા તેઓ કહે છે કે, ‘જે લોકો આ સરકારના કાર્યકાળ દરમિયાન દેશ છોડીને ભાગી ગયા છે તેમને આજે કે કાલે ચોક્કસ પરત લાવવામાં આવશે. કૂટનીતિકસ્તરે પ્રયત્નો, કાયદાકિય પ્રક્રિયાઓ અને સંપત્તિ જપ્ત કરવાનું કાર્ય ચાલુ છે અને તે લોકોએ એક એક પૈસાનો હિસાબ ચૂકવવો પડશે, પરંતુ સવાલ એ છે કે છેવટે તેમણે ભાગવું કેમ પડ્યું ? કારણ કે ભાગનારાઓને ખબર છે કે આ દેશમાં રહેવુ હશે તો કાયદાનું પાલન કરવુ પડશે.’ ધ્રવીકરણ માટે તેમની ઉપર સતત થતાં આક્ષેપો અંગે એકવાર તેમણે કહેલું કે, ‘ધ્રુવીકરણની વાત કરવાવાળા વિશ્લેષકોને હું પૂછવા માંગુ છું કે શું આજ સુધી કોઈ પક્ષે વિકાસ અને સુશાસનની વાતો અને તે માટેના પ્રયત્નો આટલા ગંભીરતાપૂર્વક કર્યા છે ?’ આવી જ એક બાબત પર તેમણે કહેલું છે કે, ‘જાતિવાદ, સંપ્રદાયવાદ, ભાષાવાદ, પ્રાંતવાદ જેવી અનેક સમસ્યાઓ વચ્ચે આપણું સામાજીક જીવન ગુંચવાયેલું છે. જ્યાં સુધી તે એકરસ, સમરસ નહીં થાય, ત્યાં સુધી ભારત વિશ્વનું તો શું, પોતાનું પણ કલ્યાણ કરી ન શકે.’
હવે છેલ્લે, જુદા-જુદા પ્રસંગોએ પોતાના માટે તેમણે કરેલી બે વાત અને તે પણ તેમના જ શબ્દોમાં… ‘ભાઈ, હું તો મજૂર નંબર વન છું. દેશમાં મારા જેવો મજૂર તમને મળશે નહિં. મારા વિરોધીઓ પણ આ બાબતે પ્રશ્નો ઉઠાવતા નથી. એ પણ માને છે કે હું કઠોર પરિશ્રમ કરવાવાળો માણસ છું.’….. ‘હું સ્વભાવથી આશાવાદી વ્યક્તિ છું, એ મારા ડીએનએમાં છે. મને ખબર નથી કે નિરાશા શું હોય છે. લોકો જેને પાણીથી અડધો ભરેલો ગ્લાસ કહે છે, તેને હું અડધો પાણીથી અને અડધો હવાથી ભરેલો ગ્લાસ કહું છું.’
આવા સફળત્તમ નરેન્દ્ર મોદી વિશે જાણ્યે-અજાણ્યે કોઈ દાવો કરે કે હું તેમને જાણું છું, સમજુ છું, તો મને લાગે છે કે તે વાસ્તવિકતાથી જોજનો દૂર હોય, એમાં બે મત નથી ! તેમની સફળતાનું મૂલ્યાંકન માત્ર આંકડાઓમાં, તસવીરોમાં કે માહિતીના ભંડાર સુધી સીમીત નથી, પરંતુ તેમના વિચારો, સંવેદનાઓ, શબ્દો, અભિગમ, કાર્યો અને સદ્દગુણોના સરવાળા અને ગુણાકારનું ગણિત છે. આ લેખા-જોખામાં સફળમાંથી સફળત્તમની તેમની ઔતિહાસિક બની રહેલી ગાથા વિચારમાંગી લે તેવી ગહન અને રોમાંચક જણાય છે, જેમાં ડૂબકી મારવી જ રહી..
(આ લેખ ‘ફીલિંગ્સ’ મેગેઝીનમાં ફેબ્રુઆરી-2021ના રોજ પ્રકાશિત થયેલ છે)