લોકસભા ચૂંટણીની આહટ વચ્ચે ભાજપના નેતૃત્વવાળી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)માં ખેંચતાણ વધી છે. બિહારમાં લોકસભા સીટોની વહેંચણીને લઈ રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીને અલવિદા કહ્યા બાદ હવે રામવિલાસ પાસવાનનો લોક જનશક્તિ પાર્ટીનો મોહ પણ ભંગ થતો જોવા મળી રહ્યો છે.
સીટ વહેંચણીમાં થઈ રહેલા વિલંબને લઈ લોજપાના કેન્દ્રીય સંસદીય બોર્ડ અધ્યક્ષ અને રામવિલાસ પાસવાનના દીકરા ચિરાગ પાસવાને ટ્વીટ કરીને સહયોગી દળો પ્રતિ ભાજપના વલણ પર ચિંતા વ્યક્ત કરી. ચિરાગે લખ્યું કે ગઠબંધનની સીટોને લઈ ભાજપ નેતાઓ સાથે ઘણીવાર વાતચીત થઈ પણ કોઈ ઠોસ નિકાલ નથી નિકળ્યો.
પાર્ટી તરફથી પણ ચિરાગની આ ચિંતાને ઉચિત જણાવતા સમય પર સીટ વહેંચણીની વાત કહેવામાં આવી.
રામવિલાસ પાસવાનના ભાઈ અને લોજપાના કોટામાંથી બિહાર સરકારમાં પશુ અને મત્સ્ય સંસાધન મંત્રી પશુપતિ પારસે ભાજપને 31 ડિસેમ્બર સુધી સીટો પર નિર્ણય કરવાનું અલ્ટીમેટમ આપ્યું. તેઓએ કહ્યું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે એનડીએના તમામ નેતાઓની સાથે બઠક કરવી જોઈએ. લોજપાએ ઝારખંડ અને ઉત્તરપ્રદેશમાં પણ સીટોની માંગ કરી છે.
કુશવાહાએ એનડીએ છોડવાની આપી સલાહ
જ્યારે બીજી તરફ થોડા સમય પહેલા જ એનડીએથી અલગ થયેલા રાલોસપાના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ લોજપાને એનજીએનો છેડો ફાડાવાની સલાહ આપી. ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે બીજેપી અને નીતિશ કુમારના વ્યવહારના કારણે મેં એનડીએ છોડ્યું હતુ.
તેઓએ કહ્યું કે અન્ય દળ પણ આ વસ્તુનો સામનો કરી રહ્યા છે. આશા છે કે લોક જનશક્તિ પાર્ટી પણ ટૂંક સમયમાં એનડીએથી અલગ થઈ જશે. કેમકે હવે તેમનો (ભાજપ) હેતુ નાની પાર્ટીઓને નષ્ટ કરવાનો છે.
જનતા દળ (યૂ)એ આ સમગ્ર મામલે કહ્યું કે એનડીએમાં બધું જ સારુ છે અને બેઠક કરીને પાસવાનની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવશે.