સંવાદદાતાઃ જન મન ઈન્ડિયા
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પહેલાં જ દિલ્હી પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ અજય માકને અચાનક જ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દેતાં કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો હતો. જો કે કોંગ્રેસે માકને રાજીનામું આપ્યું હોવાના સમાચારને ખોટા ગણાવ્યા છે.
માકનના રાજીનામાના સમાચાર ફેલાતાં જ કૉંગ્રેસ સફાળી જાગી અને તરત જ સ્પષ્ટતા કરી કે, તબિયત ખરાબ હોવાથી અજય માકન વિદેશ ગયા છે પણ માકને રાજીનામું આપ્યું નથી. તબિયત સારી ના હોવાથી તેઓ પૂરતો સમય આપી શકતા નથી તેવું કહેતા હતા અને હાલમાં સારવાર માટે વિદેશ ગયા છે. એક અઠવાડિયામાં માકન પાછા ફરશે અને એ વખતે તેમની સાથે ચર્ચા કર્યા બાદ આ અંગે નિર્ણય લેવાશે, તેમ કોંગ્રેસના પ્રવક્તા પી.સી. ચાકોએ જણાવ્યું.
હાલમાં કોંગ્રેસમાં એવી ચર્ચા છે કે, દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસની વચ્ચે ગઠબંધનની ચર્ચાને કારણે માકને રાજીનામું આપ્યું છે. અજય માકન આ સંભવિત ગઠબંધનનો વિરોધ કરી રહ્યા હતા. દિલ્હીમાં કોંગ્રેસે એકલા હાથે લડવું જોઈએ એવો તેમનો મત હતો પણ રાહુલ ગાંધી આ જોડાણની તરફેણમાં છે. આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે જોડાણ થાય તો લોકસભાની ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપ માટે જીત મુશ્કેલ બની જાય. દિલ્હીમાંથી લોકસભાની 7 બેઠકો છે અને છેલ્લી ચૂંટણીમાં તમામ બેઠકો ભાજપે જીતી હતી.
અજય માકન બે વખત લોકસભાના સભ્ય અને ત્રણ વાર દિલ્હી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે. યુપીએ સરકાર દરમ્યાન અજય માકન પ્રધાન પણ હતા. તેમની પાસે આવાસ, ખેલ અને યુવા મંત્રાલય જેવાં મંત્રાલયો હતાં. અરવિંદર સિંહ લવલીના રાજીનામાં બાદ અજય માકનને પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સોંપાઇ હતી.