નવસારીના દાંડી મ્યુઝિયમમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમામાં ગંભીર બેદરકારી જોવા મળી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 18 ફૂટની પ્રતિમામાં ચશ્મા ગાયબ થઈ ગયા છે. આ ગંભીર બેદરકારી મૂર્તિકારની હોવાનું સામે આવી રહ્યું છે. મૂર્તિકાર જ ચશ્મા લગાવવાનું ભૂલી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. 150 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા મ્યુઝિયમમાં ગંભીર બેદરકારી દાખવાઈ છે.
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 71મી પુણ્યતિથીએ દેશભરમાં અનેક જગ્યાએ ગાંધીજીને શ્રદ્ધાંજલી આપવામાં આવી. જ્યા પીએમ મોદી પણ ગુજરાતમાં દાંડી યાત્રાની સ્મૃતિમાં દાંડી મ્યુઝિયનું લોકાર્પણ કરવાના છે. જ્યારે 150 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી મહાત્મા ગાંધીની પ્રતિમામાં ગંભીર બેદરકારી સામે આવતા વિવાદના સૂર છેડાયા છે.
જો કે, પ્રતિમા તૈયાર કરતી વખતે મૂર્તિકાર જ મહાત્માની પ્રતિમામાં ચશ્મા મુકવાનું ભૂલી ગયાનું માનવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી જ્યારે આ મ્યુઝિયમનું લોકાર્પણ કરવાના છે ત્યારે આ પ્રકારની બેદરકારી સામે આવતા અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે.
દાંડી સંગ્રહાલય હાઈ કમિટીના ચેરમેન સુદર્શન આયંગરના જણાવ્યા પ્રમાણે,'ગાંધીના ચશ્માં નથી એ મૂર્તિકારની કલ્પના છે, પ્રતિમામાં ચશ્માં છે પણ તેને ઝીણવટ પૂર્વક જોવી પડે. મૂર્તિકારની આ કલા છે જેમાં ચશ્માંની ફ્રેમ જોવા મળે છે. ગાંધી મૂલ્યોની જેમ સ્મારક પણ ખુબ ઓછા ખર્ચમાં તૈયાર કરવામાં આવ્યો છે.'