મધ્યપ્રદેશના ઈંદોર શહેરમાં ભય્યુ મહારાજ આત્મહત્યા મામલે 7 મહિના બાદ પોલીસે તપાસ પૂરી કરી લીધી છે. આ મામલે ભય્યુની પત્નીના ખુલાસા બાદ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેમાં બે સેવક વિનાયક દુધાલે, શરદ દેશમુખ છે. જ્યારે ધરપકડ કરાયેલા લોકોમાં સામેલ એક યુવતી પણ છે, જેનું નામ પલક છે.
પલક ભય્યુ મહારાજની ઘણી નજીકની માનવામાં આવતી હતી. આ ત્રણેય વિરુદ્ધ ષડયંત્ર રચીને ધમકાવવાનો કેસ નોંધવામાં આવ્યો છે. ભય્યુની પત્ની અયુષીએ નિવેદનમાં કહ્યું કે આ ત્રણે ભય્યુ મહારાજને જાળમાં ફસાવીને તેમનું શોષણ કરી રહ્યા હતા.
ષડયંત્રમાં ફસાવવાનના કારણે જ તેઓ આત્મહત્યા કરવા મજબૂર થયા હતા. પલકને શુક્રવારે સીએસપી આઝાદ નગર પલ્લવી શુક્લાએ પોલીસ સ્ટેશન બોલાવીને ધરપકડ કરી હતી. ત્યાર બાદ ત્રણે આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા અને ત્યાંથી જ તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે જે દિવસે ભય્યુના લગ્ન આયુષી સાથે થયા, તે દિવસે પલકે ખુબ હંગામે મચાવ્યો હતો. તેણે પોતાની સાથે ભય્યુના લગ્નની તારીખ નક્કી કરી દીધી હતી. પલક વિશે જણાવતા એસએસપી પ્રશાંત ચૌબેએ કહ્યું કે, પલકને ભય્યુ સાથે મનમીત અરોરાએ મુલાકાત કરાવી હતી. ત્યાર બાદ વિનાયક અને શરદે પલકને ભય્યુની નજીક મોકલી હતી અને તેમને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતુ.
જ્યારે ભય્યુના લગ્ન થઈ ગયા તો પલકે તેમને એક વર્ષનો સમય આપીને પોતાની સાથે 16 જૂને લગ્ન કરવાની તારીખ નક્કી કરી. પલકે આ વિશે વિનાયક અને શરદને પણ મેસેજ મોકલ્યા હતા. આ મેસેજમાં તણે લખ્યુ હતુ કે તેમનો (પલક, વિનાયક અને શરદ) પ્લાન સફળ થશે કે નહીં. ત્યાર બાદ પલકે ભય્યુને ઘણા અશ્લીલ મેસેજ પણ મોકલ્યા.