ડીસાઃ બનાસકાંઠાની ડીસા નગરપાલિકામાં ભાજપમાં બળવો થયો છે. ભાજપની 3 મહિલા સભ્યોએ યોગ્ય સમિતીનું ચેરમેનપદ ન મળતાં રાજીનામાં આપી દીધાં છે જ્યારે 1 આદિવાસી સભ્ય જીતુ રાણાને સમિતીનું ચેરમેનપદ ન મળતાં રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે.
નગરપાલિકાના સભ્યપદેથી રાજીનામાં ધરી દેનારી મહિલા સભ્યોમાં મંજુબેન રાવળ, પલ્લવી જોશી અને મણીબેન પરમારનો સમાવેશ થાય છે. ભાજપના નેતાઓએ નારાજ સભ્યોને મનાવવા પ્રયાસ શરૂ કર્યા છે. ડીસા નગરપાલિકામાં સત્તા મળ્યાના એક વર્ષ બાદ સમિતિઓની રચના કરાઈ હતી પણ તેમાં ભારે વિવાદ થતાં ભાજપ માટે આ નગરપાલિકા જાળવવી મુશ્કેલ બની છે.
ડીસા નગરપાલિકામાં કમિટીઓની રચનાના મુદ્દે વિવાદ ચાલતો હોવાથી બુધવારની સાધારણ સભામાં હોબાળો થવાનાં એંધાણ અગાઉથી જ વર્તાતી હતી. આજે સમિતિઓની રચના બાબત વંચાણે લેતાં જ હોબાળો થયો હતો. સમિતિઓની રચનાની જાહેરાત બાદ ભાજપના ઘણા સભ્યો નારાજ થઈને નિકળી ગયા હતા અને અનેક સભ્યોએ સમિતિનાં ચેરમેનપદ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. એક સભ્યે તો સમિતિનું ચેરમેનપદ ન મળતાં સામાન્ય સભામાં જ નગરપાલિકાના સભ્યપદેથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી.
ડીસા નગરપાલિકામાં છેલ્લા 12 માસથી ભાજપના આંતરીક વિખવાદના કારણે સમિતિઓની રચના થઈ ન હતી. આજે મળેલી સાધારણ સભામાં વિપક્ષે તો વિરોધ દર્શાવ્યો જ હતો પણ ભાજપના સભ્યોએ પણ કમિટી બાબતે વિરોધ નોંધાવ્યો હતો. ભાજપ પક્ષમાંથી ચૂંટાઈ આવેલા ત્રણ મહિલા નગરસેવકોએ યોગ્ય સમિતિ યોગ્ય ન મળતાં કમિટિનો અસ્વીકાર કર્યો હતો. તેમણે પહેલાં રોષ વ્યકત કરીને પછી રાજીનામાં ધરી દીધાં હતાં.
ડીસા નગરપાલિકાના સૌથી યુવાન સભ્ય અને આદિવાસી આગેવાન જીતુ રાણાએ કમિટીનું ચેરમેનપદ ન મળતાં સભ્યપદે થી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી. તેમણે આક્ષેપ કર્યો કે, તેમને પક્ષ દ્વારા અન્યાય કરવામાં આવ્યો છે.
અગાઉ પણ એકપણ કમિટી માં તેમનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. આજે રચાયેલી કમિટી માં પણ તેમનો સમાવેશ ન કરતા ભાજપ સામે આદિવાસી સમાજમાં અસંતોષ થશે. આગામી લોકસભાની ચૂંટણીમાં તેઓ ભાજપ વિરોધી કામ કરશે તેવું તેમણે ચોખ્ખુ સંભળાવી દીધું હતું.
સાધારણ સભામાં થયેલા હોબાળા મામલે પ્રમુખ શિલ્પાબેન માળીએ મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું હતું. તેઓએ કમિટીના અસ્વીકાર મામલે હજુ તેમને કોઈ સભ્યે વિરોધ દર્શાવીને રજૂઆત કરી નથી એવો જવાબ આપીને ચાલતી પકડી હતી.