ગુલાબી નગરી જયપુરના અલ્બર્ટ હૉલમાં સજેલા ભવ્ય મંચથી ભલે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ઉપ-મુખ્યમંત્રી સચિન પાયલટે પદ તેમજ ગોપનીયતાના શપથ લીધા હોય પણ આ મંચ એક અન્ય મોટા રાજનીતિક દ્રશ્યોનો સાક્ષી બન્યો અને તે છે વિપક્ષની એકતા.
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના હાલની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિપક્ષી એકતાની તાકાત એકઠી કરી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. જ્યારે બીજા વિપક્ષી દળોના વડાઓએ ભાજપ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વ્યાપક ગઠબંધન સાથે જોડાયેલી કોંગ્રેસની આશાઓને પાંખો લગાવવાનું કામ કર્યું છે.
શપથ ગ્રહણમાં રાહુલ ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાઓની સાથે તેલુગુ દેસમ પાર્ટીના નેતા એન ચંદ્રબાબુ નાયડુ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર, લોકતાંત્રિક જનતા દળના શરદ યાદવ, દ્રમુક નેતા એમ કે સ્ટાલિન, કર્ણાટકના મુખ્યપ્રધનમંત્રી તેમજ જદના નેતા એચડી કુમારસ્વામી, રાજદ નેતા તેજસ્વી યાદવ, નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દૂલ્લા અને તૃણમુલ કોંગ્રેસના દિનેશ ત્રિવેદી સામેલ થયા.
લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગે, ભૂપેન્દ્ર હુડ્ડા, સિદ્દારમૈયા, આનંદ શર્મા, તરૂણ ગોગોઈ, નવજોત સિંહ સિદ્દૂ, અવિનાશ પાંડે સહીત કોંગ્રેસના વરિષ્ઠ નેતા પણ શપથ ગ્રહણ કાર્યક્રમમાં પહોંચ્યા. ગત મે મહિનામાં કર્ણાટકમાં કોંગ્રેસ-જદ(એસ) ગઠબંધન સરકારના શપથ ગ્રહણ કાર્યક્રમ બાદ આ બીજી વખત હતુ જ્યારે વિપક્ષી દળોના નેતા આ પ્રકારે મંચ પર જોવા મળ્યા.