છોટા ઉદેપુરઃ રાષ્ટ્રીય સંત તરીકે જાણીતા જૈન મુનિ રાજેન્દ્ર વિજયજીએ છોટાઉદેપુરમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરતાં રાજકીય રીતે ગરમીનો માહોલ થઈ ગયો છે. હિંદુ સમાજના સંતો ચૂંટણી લડ્યા હોય તેના અનેક દાખલા છે પણ કોઈ જૈન મુનિ ચૂંટણીના મેદાનમાં ઉતરે તેવી આ પ્રથમ ઘટના બનશે.
જૈન મુનિ ડો. રાજેન્દ્ર વિજય ગનીએ સાધુ બન્યા પહેલાં આદિવાસી હતા અને રાઠવા સમાજમાં જન્મ્યા હતા. જૈન ધર્મ તરફ આકર્ષાઈને તે જૈન મુનિ બન્યા છે. શૈક્ષણિક, વ્યસન મુક્તિ સહિતના કામોમાં મુનિ રાજેન્દ્ર વિજય સક્રિય છે. સંત મુનિ મહારાજ ઘણા વર્ષોથી વિસ્તારમાં સામાજિક, શૈક્ષણિક અને વ્યસન મુક્તિની પ્રવૃતિઓ કરે છે.
રાઠવા જ્ઞાતિના દાખલા મુદ્દે ચાલી રહેલા આંદોલનમાં પણ મુનિજીએ સક્રિય ભૂમિકા ભજવી છે. જૈન મુનિ વિજયજીએ તાજેતરમાં જ છોટાઉદેપુરના આદિવાસી સમાજના લોકો સાથે થઈ રહેલા અન્યાયના સમર્થનમાં ધરણાં કર્યા હતાં. જૈન મુનિ રાજેન્દ્ર વિજય મહારાજે ક્વાંટમાં સતત ચાર દિવસ સુધી પ્રતિક ઉપવાસ કર્યા હતા.
છોટાઉદેપુર જિલ્લાના અનુસૂચિત જાતિમાં સમાવિષ્ટ રાઠવા સમાજના લોકોને છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા હેરાન કરાતા હોવાના આક્ષેપો સમાજના લોકોએ કર્યા છે. સરકાર દ્વારા તેમની જ્ઞાતિ અને આદિવાસી હોવા અંગે પણ સવાલો ઉભા કરાઇ રહ્યા છે.
સરકારનું કહેવું છે કે, કેટલાક આદિવાસી લોકો જાતિના ખોટા દાખલા મેળવી નોકરી તેમજ અન્ય લાભો મેળવી રહ્યા છે. જેના કારણે આ વિસ્તારના જ જૈન મુનિએ સરકાર સામે બાંયો ચડાવી ધરણાં શરૂ કર્યાં હતાં.
જૈન મુનિનું કહેવું છે કે સરકાર આદિવાસીઓને ઇરાદાપૂર્વક હેરાન કરી રહી છે. આથી આદિવાસી સમાજના લોકોને ન્યાય મળે તે માટે તેમણે સરકારને રજૂઆત કરી છે. પરંતુ કોઇ ઉકેલ નથી આવ્યો.
આદિવાસી ઉમેદવારો માટે અનામત છોટા ઉદેપુર બેઠક પર હાલ ભાજપના રામસિંહ રાઠવા સાંસદ છે. જૈન મુનિ મેદાનમાં ઉતરે તો તેમના માટે કપરાં ચઢાણ હશે. એક રાષ્ટ્રીય સંત હોવાને કારણે બધા જ રાજકીય પક્ષકારો સાથે રાજેન્દ્ર મુનિનો સારો પરિચય છે.
જો કે તાજેતરના સરકાર સામેના તેમના આંદોલનને કારણે કોંગ્રેસ મુનિજીને પોતાની તરફ ખેંચીને રાઠવા સમાજની વોટબેંકને પોતાની તરફ વાળી શકે છે. તેમણે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના સંપર્કમાં હોવાનો દાવો કર્યો છે.