અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે અમદાવાદ ખાતે જિગ્નેશ મેવાણીના ઘરે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. હાર્દિક અને જિગ્નેશ મેવાણીએ સાથે પતંગ ઉડાવી ભાજપ પર પ્રહારો કર્યા હતા. બંન્ને એક સાથે પતંગ ઉડાવી મજા માણી હતી. યુવા નેતાઓએ સવર્ણોને આપવામાં આવેલા 10 ટકા આર્થિક અનામતથી લઇને આગામી લોકસભાની ચૂંટણીને લઇને મીડિયા સાથે વાતચીત કરી હતી.
ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી વડગામથી અપક્ષ ધારાસભ્ય તેમજ દલિત નેતા જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, 2019ની લોકસભાની ચૂંટણીમાં 'સાહેબ'નો પતંગ કપાશે. સાથે મેવાણીએ એમ પણ કહ્યું હતું કે હાલ ગુજરાતમાં અમારો પતંગ સારો ચગી રહ્યો છે, દિલ્હીમાં પણ ચગશે કે નહીં એ સમય જ બતાવશે.
પાટીદાર માટે અનામત માંગણી કરી રહેલા હાર્દિક પટેલે ગુજરાત દેશમાં સવર્ણ અનામતનો અમલ કરનારું પ્રથમ રાજ્ય બન્યું હોવા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યુ હતું કે, 'બધા કામમાં ગુજરાત પહેલું જ હોય છે, પછી વાત ભ્રષ્ટાચારની હોય કે એન્કાઉન્ટર હોય કે રાજદ્રોહ લગાવવાનો હોય. ઈબીસી લગાવવામાં પણ પહેલું હોય છે. જો કે હાલમાં આ મુદ્દો સુપ્રીમમાં પડતર હોવાથી સુપ્રીમનો ચુકાદો હકારાત્મક આવશે તો અમે સરકારના નિર્ણયનું સ્વાગત કરીશું.'
વધુમાં હાર્દિકે કહ્યું કે. આ અગાઉ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકારે પણ 10 ઇબીસીનો અમલ કર્યો હતો. હાલ આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પડતર છે, સુપ્રીમના નિર્ણય બાદ આ અંગે ચર્ચા થઇ શકશે. સરકારે આ કામ ત્રણ વર્ષ પહેલા કરવું જોઈતું હતું. તેમણે ઇમાનદારી સાથે આ કામ કરવું હોય તો પહેલા સંવિધાનમાં સંશોધન કરવું જરૂરી હતી.
સરકાર આવું કરીને સવર્ણોના મત લેવા માંગે છે. આ એક જૂમલો છે, કમળનું ફૂલ દર વખતે જૂમલો રજૂ કરે છે.' હાર્દિકે જણાવ્યુ કે, 'અમે ખેડૂતોની વિરુદ્ધ હોય તેનો પતંગ કાપવા માટૈ તૈયાર છીએ. અમારો જે માંઝો છે એ બેરોજગારી, ભ્રષ્ટાચાર અને મોંઘવારીને કાપવા માટે છે. અમે કોઈના વિરુદ્ધમાં નથી. જીગ્નેશ મેવાણીએ 2019માં સાહેબનો પતંગ કાપવાની વાત કર્યા બાદ હાર્દિકે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ચીનના મિત્રો હશે તે તમામનો પતંગ દેશી દોરી કાપશે.