ACB દ્વારા જામનગર GPCBનાં અધિકારી પર સકંજો કસવામાં આવ્યો છે. ACBને GPCBનાં કલાસ 1 અધિકારી બી.જી.સુતરેજા પાસેથી રૂ.5 લાખ કરતા પણ વધુની રોકડ રકમ મળી આવ્યાના અહેવાલ છે. જેના કારણે ACB દ્વારા હવે GPCBનાં આ કલાસ-1 અધિકારીને સંકજામાં લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છે કે, છેલ્લાં કેટલાક સમયથી લાંચિયા બાબુઓને પકડવા માટે એન્ટી કરપ્શન બ્યુરો સતત બાઝ નજર રાખીને બેઠું છે અને લોકોની ફરિયાદના આધારે કાર્યવાહી કરી સપાટો બોલાવી રહ્યું છે.
ડાયરેક્ટર કેશવ કુમારના નેજા હેઠળ કામ કરતી એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ સતત લાંચિયા બાબુઓનો સપાટો બોલાવી રહી છે, ત્યારે GPCBનાં કલાસ 1 અધિકારી બી.જી.સુતરેજાના મામલે પણ ACB એક મહિનાથી વોચમાં હતું.
જેના અનુસંધાનમાં ગત મોડી રાત્રે ACB દ્વારા જામનગરથી અમદાવાદ આવેલા અધિકારીની તપાસ કરતાં તેમની પાસેથી લાખોની રોકડ-મતા મળી આવ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. બી.જી.સુતરેજા નામક આ ક્લાસ 1 અધિકારી જામનગરમાં ફરજ બજાવે છે અને હાલ તે અમદાવાદમાં રહે છે.
બાતમીના આધારે ACBએ તપાસ આદરી હતી
દર અઠવાડિયે આ અધિકારી લાખોની રકમ લઈને અમદાવાદ આવતા હોવાની ACBને માહિતી મળી હતી. આમ ACB દ્વારા બાતમીના આધારે ઓપરેશનને પાર પાડવામાં આવ્યું હતું. સમગ્ર સર્ચ ઓપરેશન દરમિયાન કલાસ વન ઓફિસર પાસેથી ACBને 5 લાખ કરતા વધુની રકમ મળી આવી હતી.
આટલી મોટી રકમ મળી આવ્યાની આ પ્રથમ ઘટના છે. માટે ACB અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરશે. હાલ તો આ અધિકારીની પૂછપરછ ચાલી રહી છે અને આ દરમિયાન અન્ય નામોનો ખુલાસો થાય તેવી શક્યતા છે.