રાજકોટઃ જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેના પ્રચારનો આજે મંગળવારે સાંજે 5 વાગ્યે અંત આવ્યો હતો. આ પહેલાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ પૂરી તાકાત લગાવીને શક્તિપ્રદર્શન કર્યાં હતાં. બંને પક્ષના સ્ટાર પ્રચારકો અને અગ્રણી નેતાઓ જસદણમાં ઉમટી પડ્યા હતા. આ શક્તિપ્રદર્શન દરમિયાન એક ઠેકાણે બંને પક્ષના કાર્યકરો વચ્ચે અથડામણ પણ થઈ હતી.
બીજી તરફ ભાજપે કોંગ્રેસના નેતાઓને ખેરવવાનું અભિયાન ચાલુ રાખીને બે કોળી આગેવાનોને પોતાના પક્ષમાં ખેંચી લીધા હતા. રાજકોટ જિલ્લાની જસદણ તાલુકા પંચાયતની કનેસરા અને કોઠી એ બે બેઠકોના કોંગ્રેસના સભ્ય આજે ભાજપમાં જોડાયા હતા. તાલુકા પંચાયતના કોઠી બેઠકના સભ્ય વિઠ્ઠલ માલકીયા અને કનેસરા બેઠકના સભ્ય લક્ષ્મણ મકવાણાએ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપનો ખેસ પહેરી લીધો હતો.
જસદણ તાલુકા પંચાયતની કુલ 21 બેઠકો છે. આ પૈકી 18 બેઠક પર કોંગ્રેસના સભ્ય ચૂંટાયા હતા. આ પહેલાં કોંગ્રેસમાં ભંગાણ પડતાં 9 સભ્યો ભાજપમાં જોડાયા હતા. હવે 2 સભ્યો ભાજપમાં જોડાતા કોંગ્રેસ પાસે માત્ર 7 સભ્યો બચ્યા છે.
બીજી તરફ આજે પ્રચારના છેલ્લા દિવસે કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોત સિધ્ધુએ સભા કરીને છાકો પાડી દીધો હતો. આ સભામાં પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિતના કોંગ્રેસના ધારસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નવજોત સિધ્ધની એન્ટ્રી થતાં જ લોકોએ ઉભા થઇને તેમનું સ્વાગત કર્યું હતું અને નવજોત સિધ્ધુ મેદાન પર સિક્સ મારતા હોય તેવા અંદાજમાં સ્ટેજ પર આવ્યા હતા.
નવજોત સિધ્ધુએ ભાજપ વિરૂદ્ધ બેટિંગ કરતા જણાવ્યું હતું કે, બાવળિયાને કાઢીને ખબર નહીં ક્યાં ક્યાં વાગશે, તેમણે પીઠ પાછળ છરો માર્યો છે. તેમણે સવાલ કર્યો કે, અમિત શાહના દિકરા પાસે પૈસા ક્યાંથી આવે છે ? આ રૂપિયાવાળાની સરકાર છે ફણ તમે દારૂ-પૈસા માટે મત ન દેતા ગુજરાત માટે આપજો.
મોદી પર પણ પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, ચોકીદાર જ ચોર છે.રાહુલ ગાંધીએ મને મોકલ્યો છે અને સચ્ચાઇની જંગ લડવા આવ્યો છું. રોજગાર અને ગરીબ લોકોની રોટી માટે આવ્યો છું. નહીં રૂપાણી બચે કે નહીં મોદી બચે. ભાજપના લોકો પાસે સાચું બોલાવવું અઘરૂ છે.