જસદણ : જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ એક પૂર્વ સરપંચને કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા માટે કામ કરવા 25 હજાર રૂપિયાની લાલચ આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
જસદણ તાલુકાના પાંચવડાના ભૂતપૂર્વ સરપંચ મધુકાંત ટાઢાણીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. તેના પગલે ચૂંટણી પંચે કગથરા સામે પોલીસ ફરિયાદ કરી છે. જો કે કગથરાએ આ આક્ષેપોને નકારી કાઢ્યા છે. ભાજપની હાર નક્કી હોવાથી તે ગંદી રમતો રમે છે તેવો આક્ષેપ તેમણે કર્યો છે.
પાંચવાડાના ભૂતપૂર્વ સરપંચ મધુકાંત ટાઢાણીએ ચૂંટણી કમિશનરને ફરિયાદ કરી હતી કે, ટાઢાણી પોતે જસદણની ચૂંટણીમાં ભાજપ તરફથી પ્રચાર કરી રહ્યા છે. બે દિવસ પહેલાં બપોરે 1 વાગ્યે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાના ટેકેદાર ગજેન્દ્ર રામાણીનો ફોન આવ્યો હતો. રામાણીએ ટાઢાણીને ફોન પર કહ્યું કે, ‘જસદણ આવી જા, મારે તને 25,000 રૂપિયા આપવાના છે.
રામાણીએ પછી ફોન કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાને આપ્યો હતો. લલિત કગથરાએ કહ્યું કે, ‘આદિત્યમાં આવી જા’. ટાઢાણી પર સાંજના સમયે 4.45 કલાકે ફરી ફોન કરી બોલાવ્યો હતો. ટાઢાણીને કોંગ્રેસના આ બંને આગેવાનોએ ફરી કોંગ્રેસનું કામ કરવા માટે 25,000 રૂપિયાનું પ્રલોભન આપી કોંગ્રેસની તરફેણમાં કાર્યકરો ઊભા કરવા લાલચ આપી હતી. તેના પગલે ટાઢાણીએ મોડી રાત્રે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.
આશ્ચર્યજનક રીતે ફરિયાદ કર્યાના માત્ર એક જ કલાકમાં જ ચૂંટણી પંચે જસદણ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એ.બી. પટેલને આ મામલે એફઆઈઆર નોંધવા હુકમ કર્યો હતો. ચૂંટણી પંચના આદેશને પગલે મોડી રાત્રે કગથરા તથા રામાણી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મધુકાંત ટાઢાણીએ જણાવ્યું હતું કે, ‘મને સૌથી પહેલાં રવિવારે ફોન આવ્યો હતો અને મળવા બોલાવતા હતા અને સતત બે દિવસથી ફોન કરતા હતા.
કગથરાએ જણાવ્યું કે, આ ફરિયાદથી સાબિત થાય છે કે ભાજપ જસદણમાં હારી ગયું છે. બાકી આ હદની નીચી કક્ષાની વાત થાય નહીં. મેં પૈસાની કોઇ વાત જ નથી કરી. મધુકાંત પહેલા 10 દિવસ પ્રચારમાં મારી સાથે રહ્યો અને પછી બીજે ગયો એટલે હવે કોની સાથે છે તેની સ્પષ્ટતા કરવા બોલાવ્યો હતો.
ગજેન્દ્ર રામાણીએ કહ્યું કે, મારે પાંચવડાના એક સંબંધીને 25 હજાર રૂપિયા મોકલવાના હતા તેથી મેં મધુકાંતને બોલાવ્યો હતો. અમે વર્ષોથી સાથે છીએ અને તે મારા પુત્ર સમાન છે. તેણે ફરિયાદ શા માટે કરી તે તેનો અંગત મામલો છે, બાકી મેં ક્યાંય કોંગ્રેસના કામ માટે પૈસાની ઓફર કરી નથી.