અમદાવાદઃ કોંગ્રેસને આજે વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ આજે રાજીનામું આપી દીધું છે. જવાહર ચાવડાએ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસ સ્થાને રાજીનામું આપ્યું.
જવાહર સતત 4 ટર્મથી ધારાસભ્ય પદે ચૂંટાઇ રહ્યા હતા. લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપ એક્શનમાં આવી ગઇ છે. કોંગ્રેસના નારાજ ધારાસભ્યોને પક્ષમાં સમાવવા રણનીતિ બનાવાઇ છે. ત્યારે કોંગ્રેસના માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું છે. જોકે જવાહર ચાવડાના રાજીનામા બાદ ભાજપમાં જોડાવાની ચર્ચા થઇ રહી છે. જવાહર ચાવડા બાદ હજી પણ કોંગ્રેસમાં ભંગાણ થઇ શકે છે.
આ મામલે કોંગ્રેસના શૈલેશ પરમારે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે ભાજપ વિકાસના નામ પર રાજનીતિ કરી રહી છે. ભાજપ નબળો પક્ષ છે તેથી કોંગ્રેસને તોડે છે. ભાજપ જીતી શકે તેવી સ્થિતિમાં નથી. ભાજપને હારનો ડર છે તેથી કોંગ્રેસને તોડે છે.
ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત છે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ કરતા 1 સીટ વધુ જીતી બતાવશે. ભાજપ લાલચ આપી રહી છે. પક્ષ કરતા પણ પ્રજા સાથે વિશ્વાસઘાત ન કરવો જોઈએ. કોંગ્રેસ એટલી મજબૂત છે કે કોઈની જરૂર નથી. જવાહર ચાવડાએ કોઈ સાથે વાત કરી નથી. જવાહર ચાવડાનો પક્ષ સાથે કોઈ અસંતોષ ન હતો. ભાજપના મંત્રીઓની જનતામાં કોઈ વેલ્યૂ નથી.
જોકે, જવાહર ચાવડાના પિતાનું પણ રાજકારણમાં મોટું નામ છે. જવાહર ચાવડા આહીર સમાજના આગેવાન છે. જૂનાગઢ લોકસભા બેઠક પર આહીર સમાજના મત પણ વધુ છે. ત્યારે હવે જવાહર ચાવડા જૂનાગઢથી લોકસભા ચૂંટણી લડી શકે તેવી પણ શક્યતા છે. સાંસદ રાજેશ ચુડાસમાનું પત્તુ કપાઇ શકે તેમ છે. ત્યારે સૌરાષ્ટ્રને સાધવા માટે ભાજપનો આ એક માસ્ટસ્ટ્રોક કહી શકાય તેમ છે.