અમદાવાદઃ કોંગ્રેસને આજે વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ આજે રાજીનામું આપી દીધું અને ગણતરીના જ કલાકોમાં ભાજપનો ભગવો ખેસ પણ ધારણ કરી લીધો છે. ચાવડાએ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસ સ્થાને રાજીનામું આપ્યું હતુ.
અલ્પેશના બદલે જવાહર ચાવડાએ રાજીનામું આપતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે, ત્યારે ચાવડાએ રાજીનામું આપ્યા બાદ કમલમ ખાતે પહોંચીને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના હાથે મોઢુ મીઠુ કરી ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો. જવાહરને કેબિનેટ મંત્રી પદ મળે એવી અટકળો પણ છે.
જવાહર સતત 4 ટર્મથી ધારાસભ્ય પદે ચૂંટાઇ રહ્યા હતા. લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપ એક્શનમાં આવી ગઇ છે. કોંગ્રેસના નારાજ ધારાસભ્યોને પક્ષમાં સમાવવા રણનીતિ ગઢવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસના માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપતા લોકસભા ચૂંટણી ટાણે કોંગ્રેસના ગઢમાં મોટુ ગાબડું પડ્યું છે. જવાહર ચાવડા બાદ હજી પણ કોંગ્રેસમાં ભંગાણ એંધાણ ચર્ચાઈ રહ્યા છે.