ભૂજઃ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસના આરોપી અને કચ્છના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. રેલવે પોલીસે ભચાઉ કોર્ટમાં કલમ 70 મુજબ અરજી કરી હતી. જેમાં કોર્ટ અરજીને માન્ય રાખતા પોલીસે છબીલ પટેલને ભાગેડુ જાહેર કર્યા હતા. નોંધનીય છે કે જયંતિ ભાનુશાળીની હત્યાના થોડા દિવસ અગાઉ વિદેશ ભાગી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સોશિયલ મીડિયામાં છબિલ પટેલની એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી જેમાં તે કહી રહ્યા છે કે હું હાલમાં વિદેશમાં છું અને થોડા જ દિવસમા ભારત પર આવવાનો છું. હું બિઝનેસના કામ માટે વિદેશમાં આવ્યો હતો. અહી મને જાણકારી મળી હતી કે મારી સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. હું ભારત આવીને પોલીસ સ્ટેશનમાં હાજર થઇશ. હું સાવ નિર્દોષ છું અને કોઈ કાવતરાનો ભોગ બની રહ્યો છું એવું મને લાગે છે. મને ગુજરાત પોલીસ પર પુરો ભરોસો છે. તેઓ સત્ય બહાર લાવશે. હું ભારત આવું ત્યારે મારા પર જીવનું જોખમ લાગતું હોવાથી મને પોલીસ રક્ષણ મળે એવી મારી વિનંતિ છે.
ઉલ્લેખનીય છે કે જયંતિ ભાનુશાળી આઠમી જાન્યુઆરીના રોજ ભુજથી સયાજીનગરી એક્સપ્રેસ મારફતે અમદાવાદ નરોડા ખાતે આવેલા તેમના ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન રાત્રે હત્યારાઓએ સૌપ્રથમ ભાનુશાળી જે કેબિનમાં મુસાફરી કરી રહ્યા હતા તેનો દરવાજો ખખડાવ્યો હતો. જયંતિ ભાનુશાળીએ દરવાજો ખોલતા હત્યારાઓએ તેમના પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે, જયંતિ ભાનુશાળીના પરિવારજનોએ હત્યા અંગે ફરિયાદ નોંધાવી હતી અને જયંતિ ભાનુશાળીના દુશ્મન છબીલ પટેલ અને મનિષા ગોસ્વામી પર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ અંગે પોલીસે સીઆઇડી, અમદાવાદ ક્રાઇમ બ્રાચ સહિતની ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.
સમગ્ર કેસની તપાસ દરમિયાન પોલીસે છબીલ પટેલના રેલડી ખાતે આવેલા નારાયણ ફાર્મ હાઉસમાં દરોડા પાડી બે આરોપી નીતિન પટેલ અને રાહુલ જયંતિ પટેલની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં તેમણે જણાવ્યું કે મનિષા ગોસ્વામીને જેલમાંથી બહાર કાઢવા માટે છબિલ પટેલ અને શુરજીત પરદેશી ભાવુએ મદદ કરી હતી. ત્યારબાદ મનિષા અને છબિલ પટેલે જયંતિ ભાનુશાળીની હત્યાનું પ્લાનિંગ કર્યું હતું.