અમદાવાદઃ કચ્છના ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળી હત્યા કેસમાં સીઆઈડી ક્રાઈમની ટીમે ઝડપેલા બે શાર્પ શૂટરે તેમના ગુનાની કબૂલાત કરી છે. પોલીસે શશીકાંત ઉર્ફે દાદા કામબલે (રહે. યરવડા, પૂના) અને અશરફ ઉર્ફે અનવર (યરવડા, પૂના)ની ડાંગની એક હોટલમાંથી ધરપકડ કરી હતી. બંનેને આજે સોમવારે ભચાઉની કોર્ટમાં રજૂ કરીને રીમાન્ડ મેળવવામાં આવશે કે જેથી છબીલ પટેલ સામે વધુ મજબૂત પુરાવા મેળવી શકાય.
પોલીસ તપાસમાં તેમણે કબૂલ્યું છે કે, ભાજપના નેતા અને આ કેસના મુખ્ય આરોપી છબીલ પટેલે જયંતિ ભાનુશાળીની હત્યા માટે રૂપિયા 30 લાખની સોપારી આપી હતી. આ પૈકી પાંચ લાખ રૂપિયા એડવાન્સમાં છબીલ પટેલે મુંબઈમાં એક મોલમાં ચૂકવી દીધા હતા. છબીલ પટેલે શાર્પ શૂટર્સને કહ્યું હતું કે, જયંતિ ભાનુશાળી મારા દુશ્મન છે અને મારા પર કેસો કરાવી રહ્યા છે તેથી તેમની હત્યા કરવાની છે તેમ કહી સોપારી આપી હતી.
સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટિયાએ જણાવ્યું કે, ભાનુશાળીની હત્યા માટે બે મધ્યસ્થી દ્વારા બે મહિના પહેલા છબીલ પટેલ પૂનાના શાર્પશૂટર શશીકાંતને મુંબઈના મોલમાં મળ્યા હતા. મોલમાં છબીલ પટેલે જયંતિ ભાનુશાળીના ફોટો બતાવી હત્યા કરવા સોપારી આપી હતી અને પાંચ લાખ રૂપિયા એડવાન્સમાં આપ્યા હતા. બાદમાં શશીકાંત બસ મારફતે પૂનાથી અમદાવાદ આવ્યો હતો. છબીલ પટેલ તેને પોતાની કારમાં ભુજ લઈ ગયા હતા.
ભુજમાં છબીલે શશીકાંતને ભાનુશાળીનું ઘર બતાવ્યું હતું પણ ગીચ વિસ્તાર હોવાથી શશીકાંતે હત્યા કરવાની ના પાડી હતી. બાદમાં જયંતિ ભાનુશાળી ટ્રેનમાં અમદાવાદ આવવાના છે એ વાતની ખબર પડતાં ટ્રેનમાં હત્યા કરવાનું નક્કી કર્યું હતું. એ પછી શશીકાંતે ફરીથી પૂનાથી ભુજ આવી ભુજ રેલવે સ્ટેશનની રેકી કરી હતી. ટ્રેનમાં બેસી અને દરેક રેલવે સ્ટેશન અને એચ 1 કોચ અંગે માહિતી મેળવી હતી. દરેક સ્ટેશન પર કેટલી વાર ટ્રેન ઉભી રહે છે, કેટલા દરવાજા ખુલે છે તેની માહિતી મેળવી હતી. આ રીતે તમામ માહિતી મેળવીને છેવટે હત્યાને અંજામ આપ્યો હતો.