ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતના પ્રભારી ઓમ પ્રકાશ માથુર આજે ગુજરાતના પ્રવાસે છે. ચૂંટણીની જવાબદારી સોંપાયા બાદ તેઓ પ્રથમ વાર ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે.
માથુરે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશના નેતાઓ તથા આગેવાનો સાથે બેઠક કરી હતી. બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં માથુરે કહ્યું હતું કે હાલના સાંસદ લાલકૃષ્ણ અડવાણી સહિતના નેતાઓને ચૂંટણી અંગે ભાજપે તેઓને ના પાડી નથી.
ગુજરાતમાં હાલના 26 સાંસદો પૈકી કેટલા સાંસદોને આગામી લોકસભા ચૂંટણીમાં ટીકિટ આપવામાં આવશે તેવા પૂછાયેલા સવાલના જવાબમાં માથુરે કહ્યું કે, હજુ થોડો સમય રાહ જુઓ. તેમણે કહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં પણ મુખ્ય મુદ્દો વિકાસનો જ રહેશે. જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને લોકો સમક્ષ લઈ જવાશે. માથુરે ગુજરાતની તમામ લોકસભા બેઠકો ભાજપ જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી.
નોંધનીય છે કે, 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો જીતી હતી. તેમણે કહ્યું કે, હાલમાં ગુજરાતમાં જે કાંઈ માહોલ છે. તેને કારણે ભાજપને ચૂંટણી જીતવા પર કોઇ અસર થશે નહીં. આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાં લોકોને ખૂબ જ પ્રિય છે.
કેન્દ્ર સરકાર દ્ધારા સવર્ણોને 10 ટકા અનામત આપવા અંગેના સવાલ પર માથુરે કહ્યું કે, 10 ટકા અનામનો સૌ પ્રથમવાર અમલ કરીને રૂપાણી સરકારે નરેન્દ્ર મોદીની સરકારના નિર્ણયને વધાવ્યો છે. તેનો ફાયદો લોકસભામાં ભાજપને ચોક્કસથી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તેમણે આગામી દિવસોમાં બાકી રહેલા બોર્ડ-નિગમોમાં તમામ હોદ્દાઓની નિમણૂંકો થવાના સંકેતો આપ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે, હું 2004થી ગુજરાત સાથે જોડાયેલો છું અને આજે ગુજરાત મારું હોમ ટાઉન બની ગયું છે.
ગુજરાતના ભાજપ સંગઠન અંગે ઓમ માથુરે જણાવ્યું હતું કે, ગુજરાતના સંગઠનમાં કોઈ તકલીફ છે જ નહીં. ખૂબ જ મજબૂત સંગઠન બની ગયું છે એટલે ચૂંટણી સમયે કોઇ મોટા પડકાર ભાજપને મળશે નહીં. રામ મંદિરના મુદ્દે તેમણે સ્પષ્ટતા કરી જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકર્તા રામમંદિર ઈચ્છે છે એ સારી બાબત છે પરંતુ ભાજપ બંધારણ વાળી પાર્ટી છે.