અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં છેલ્લા કેટલાય દિવસથી અસંતોષ ફેલાયેલો છે. રાજ્યની નેતાગીરી સામે અનેક સિનિયર નેતાઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. પોતાને રાજ્યની નેતાગીરી દ્ધારા અવગણના કરવામાં આવી હોવાનો અનેક સિનિયર નેતાઓએ આરોપ લગાવ્યો હતો.
લોકસભાની ચૂંટણી અગાઉ ગુજરાત કોંગ્રેસમાં ઉભી થયેલી નારાજગીને પગલે તેને શાંત પાડવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્ધારા ગુજરાતના ટોચના 8 નેતાઓની એક હાઈ પાવર કમિટી બનાવી છે. આ હાઈ પાવર કમિટીને પૂછીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ નિર્ણયો લેવાના રહેશે.
નોંધનીય છે કે કોંગ્રેસમાં ઉભા થયેલા અસંતોષના અહેવાલને પગલે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી.
દિલ્હીમાં થયેલી આ મહત્વની બેઠકમાં આ હાઈ પાવર કમિટી બનાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 8 સભ્યોની હાઇ પાવર કમિટીમાં વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ઉપરાંત 6 સિનિયર નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપરાંત ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ, મધુસુદન મિસ્ત્રી , શક્તિસિંહ ગોહિલ તેમજ નરેશ રાવલનો આ હાઈ પાવર કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સિનિયરોની નારાજગીને ખાળવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કરતાં આ કમિટી પાસે વધારે સત્તા હશે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાના ઘરે કોંગ્રેસના નારાજ નેતાઓની ગુપ્ત બેઠક મળી હતી જેને પગલે કોંગ્રેસમાં અસંતોષ હોવાની વાત સામે આવી હતી.
બીજી તરફ કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અને ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોર, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને બેચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોર પ્રદેશ કોંગ્રેસ નેતાગીરી સામે અસંતોષ વ્યક્ત કરીને સોમવારે રાત્રે દિલ્હી ગયા હતા.
દિલ્હીમાં તેમણે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને મળવાનો સમય માંગ્યો હતો પણ રાહુલે તેમને સમય ન આપતાં ત્રણેય ધારાસભ્ય વિલા મોંઢે પાછા ફર્યા હતા. દિલ્હીમાં તેમણે અહેમદ પટેલની મુલાકાત લીધી હતી પણ રાહુલને મળી શક્યા નહોતા.
સૂત્રોના કહ્યા પ્રમાણે ધારાસભ્યો દિલ્હીમાં પ્રથમ અહેમદ પટેલને મળ્યા હતા પણ તેમની મુલાકાત રાહુલ ગાંધી સાથે ગોઠવાઇ નહોતી તેથી પાછા આવી જવું પડ્યું હતું. અલ્પેશના કહ્યા પ્રમાણે પક્ષમાં તેના સમાજની અવગણના થાય છે, ઠાકોર સેનાને તોડવાના પ્રયાસ થાય છે.