બિન-ગુજરાતીને પ્રદેશ પ્રમુખ બનાવીને ભાજપનો ‘નહેલે પે દેહેલા’ જેવો દાવ
સુધીર એસ. રાવલ
ગુજરાતની રાજકીય ગાથા રસપ્રદ થઈ ગઈ છે. કારણ છે ભાજપ દ્વારા ચાલવામાં આવેલો નવો અને આશ્ચર્યજનક રાજકીય દાવ. ભાજપ હાઈકમાન્ડે એક બિન-ગુજરાતી સી. આર. પાટીલને ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકેની નિમણૂંક કરી છે. કોંગ્રેસે ગુજરાતમાં ફાયરબ્રાન્ડ યુવા નેતા હાર્દિક પટેલને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો ‘માસ્ટર સ્ટ્રૉક’ લગાવ્યો હતો, પરંતુ ભાજપે મરાઠા પાટીલને સામે મુકીને ‘નહેલે પે દેહેલા’ જેવી ચાલ ચાલી છે.
આ બંન્ને નવ નિયુક્તિઓ એવા સમયમાં થઈ છે જ્યારે ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકોની મહત્વની ચૂંટણીઓ થવાની છે. આ પેટાચૂંટણીઓ હાલમાં રાજ્યસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસમાં પક્ષપલટો થવાના કારણે કરાવવી પડી રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓ અને જિલ્લા પંચાયતોની મહત્વપૂર્ણ ચૂંટણીઓ પણ નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાવાની છે. આ અંતર્ગત અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગર જેવા મહત્વપૂર્ણ મહા નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. આ પછી 33 જિલ્લા પંચાયતોની યોજાવાની છે.
ભાજપ અને કોંગ્રેસ બંને આ ચૂંટણીઓ જીતવા માટે વ્યૂહરચના બનાવવામાં વ્યસ્ત છે. હાર્દિક પટેલની નિમણૂંક સાથે, કોંગ્રેસે પાટીદારો અને અન્ય પછાત વર્ગો (ઓબીસી) ના બંને વર્ગોને આકર્ષવા માટે સંતુલન કરવાનો સુંદર પ્રયાસ કર્યો છે. યુવા તુર્ક હાર્દિક પટેલ ન માત્ર નિખાલસ ભાષણો આપવાની કળા જાણે છે, પરંતુ તેમને યુવાનો, ખેડુતો અને નાના ઉદ્યોગપતિઓને લગતા મુદ્દાઓ પર બોલવામાં પણ કુશળતા પ્રાપ્ત છે. આ મુદ્દાઓનો પડઘો ગુજરાતમાં તમામ વર્ગો અને સમુદાયોમાં સાંભળી શકાય છે. આ જ કારણ છે કે હાર્દિક પટેલની નિમણૂક અંગે ગુજરાત ભાજપે મૌન રહેવાનું વધુ સારું માન્યું હતું. હા, વળતો જવાબ આપવા માટે ભાજપે પાટીલ નામનું તીર ચલાવ્યું છે. પાટિલની ઓળખ સાયલન્ટ પરફૉર્મર હોવાની સાથે ટ્રબલ-શૂટર તરીકે પણ કરવામાં આવે છે. આ સાથે, ભંડોળ ભેગું કરવામાં પણ તેમની પાસે નિપુણતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સમૃદ્ધ પટ્ટામાંથી. જો કે, તેઓએ ભંડોળ ઉભું કરવાની પ્રવૃત્તિઓ પ્રત્યે સાવધ અભિગમ અપનાવવો પડશે. ભાજપના ટોચના કેન્દ્રીય નેતાઓ મુશ્કેલ પરિસ્થિતિઓ સાથે કામ કરવામાં પાટીલની કુશળતાથી સારી રીતે જાણકાર છે.
મૂળભૂત રીતે, ભાજપ પાસે આગામી ચૂંટણીઓમાં લીડ જાળવવા માટે બે માર્ગ છે. એક- પોતાના સંગઠનને મજબૂત બનાવવું. બીજું- વિપક્ષી છાવણી કોંગ્રેસને નબળી પાડવી. જો કે, બે દાયકાથી પણ વધુ સમયથી, ગુજરાતની સત્તા ભાજપ પાસે છે. તેથી સત્તા વિરોધી માનસિકતા પણ પ્રજામાં એટલી હોઈ શકે છે. એ પણ હકીકત છે કે, નરેન્દ્ર મોદી હવે રાજ્યની રોજિંદી બાબતોમાં સામેલ નથી. અને સમય ખૂબ જ ઓછો છે, એટલા માટે ભાજપનો પહેલો પ્રયાસ એ રહેશે કે કોંગ્રેસને શક્ય હોય તેટલી નબળી પાડવી.
કોંગ્રેસે તાજેતરમાં ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે, જે જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે, તેને પાડવા માટે ભાજપ ‘સામ-દામ-દંડ-ભેદ’ની નીતિ અપનાવી રહ્યું છે. અગાઉ ગોવા, મણિપુર, મધ્યપ્રદેશ અને અરુણાચલ પ્રદેશમાં પણ ભાજપે પક્ષપલટો કરાવ્યો હોવાના કોંગ્રેસે આક્ષેપો કર્યા છે.
અલબત્ત ગુજરાતમાં જોઈએ તો ભાજપને બહુમતી જાળવવા માટે વધુ ધારાસભ્યોની જરૂર નહોતી, પરંતુ તો પણ ઘણા કોંગ્રેસીઓએ ‘હાથ’ છોડીને ભાજપનું ‘કમળ’ સ્વીકારી લીધું. આનો અર્થ એ છે કે, કોંગ્રેસી ધારાસભ્યોમાં અસુરક્ષાની ભાવના પ્રબળ છે. આ નેતાઓએ એટલે કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો હોઈ શકે કે, તેઓને પક્ષના ભાવિને લઈને વિશ્વાસ નહોતો.
ભાજપ આગામી દિવસોમાં આવી કોઈ તકો સામે આવે તો તેનો લાભ ઉઠાવવામાં કોઈ કસર છોડશે નહીં. સીઆર પાટિલની તેજ નજર અને રાજકીય કુશળતા દ્વારા ભાજપ આ શક્યતાઓને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવામાં સતર્ક રહેશે.
બીજી વાત એ છે કે હાર્દિક પટેલની નિમણૂંકને કારણે, ભાજપને એવી આશા છે કે કોંગ્રેસમાં જૂના જોગીઓ અને નવા આવેલા નેતાઓ વચ્ચે આંતરિક ખેંચતાણ થશે. પાટીલ પોતાની રાજકીય કુનેહથી કોંગ્રેસના નારાજ નેતાઓ અને તેમના ટેકેદારો પર નજર રાખી તેનો સીધો કે આડકતરો લાભ ભાજપને થાય તે માટે પ્રયત્નરત રહેશે. કોંગ્રેસમાં આ પ્રકારના નેતાઓ પાટીદાર, ઓબીસી અને અન્ય સમુદાયોમાં ઘણે અંશે હોઈ શકે છે.
અન્ય મુદ્દો એ છે કે, હાર્દિક પટેલના હાથમાં કોંગ્રેસની બાગડોર આવ્યા બાદ, ભાજપને તેની યુવા બ્રીગેડની આક્રમક પ્રચાર શૈલીના પડકારનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. આવા સંજોગોમાં, અનુભવી પાટીલ ‘જૈસે કો તૈસા’ વાળી શૈલીમાં જવાબ આપવા માટે સક્ષમ છે.
આ ઉપરાંત, એક તરફ કોંગ્રેસે હાર્દિક પટેલની નિમણૂંક કરીને જ્ઞાતિ અને સમુદાયનું રાજકારણ રમ્યું. તો બીજી તરફ ભાજપે જૈનને મુખ્ય પ્રધાન અને બિન ગુજરાતી એવા મરાઠીને પ્રદેશ પ્રમુખ બનાવીને ગુજરાતની બહાર એવો સંદેશ આપવા પ્રયત્ન કર્યો છે કે તેનું રાજકારણ જાતિ આધારિત હોવાને બદલે કૌશલ્ય આધારિત છે.
જો કે, સી. આર. પાટીલ માટે પડકાર એ છે કે દક્ષિણ ગુજરાતમાં ભલે તેમનું વર્ચસ્વ હોય, પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં તેમની પહોંચ નથી. વળી, ભાજપમાં પણ જૂના જોગીઓ અને કાર્યકરોનો સાથ લેવો એ તેમના માટે પડકારરૂપ તેમજ નેતૃત્વની કસોટી સમાન બની રહેવાનું છે.
કુલ મળીને જોઈએ તો આગામી સમયમાં ગુજરાતના રાજકીય મેદાનમાં એક જબરદસ્ત હરીફાઈ જામવાના સંકેતો મળે છે.
(સુધીર એસ રાવલ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર, કૉલમિસ્ટ, ગુજરાતી વેબ પોર્ટલ જન મન ઈન્ડિયાના એડિટર ઈન ચીફ તેમજ iTV નેટવર્ક, નવી દિલ્હીના કન્સલ્ટીંગ એડિટર છે )