સંવાદદાતાઃ જન મન ઈન્ડિયા
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર મંગળવારે શરૂ થાય તે પહેલાં કોંગ્રેસે સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂતો આક્રોશ રેલી યોજી હતી. આ રેલીમાં આવવા નિકળેલા કોંગ્રેસના કાર્યકરોને રોકવામાં આવ્યા હોવાના આક્ષેપ કોંગ્રેસે કર્યા હતા. કોંગ્રેસના નેતાઓએ ભાજપની નીતિઓના કારણે ખેડૂતો દેવાદાર બન્યા હોવાના આક્ષેપ કર્યા હતા.
બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના દેખાવોને પ્રસિધ્ધી માટેનું નાટક ગણાવ્યું અને બે દિવસ પછી ગુજરાત સરકાર ખેડૂતોના મુદ્દે મોટી જાહેરાત કરશે તેવું એલાન પણ કર્યું. હાલમાં વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી સરકાર કોઈ જાહેરાત કરી શકે તેમ નથી તેથી બે દિવસ બાદ આ જાહેરાત કરાશે તેવી સ્પષ્ટતા તેમણે કરી.
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ તરફથી આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ભાજપની નીતિના કારણે ખેડૂતો ગુલામ બન્યા છે, ખેડૂતો આર્થિક રીતે દેવાદાર બની ગયા છે. સેટેલાઈટ માપણી કરાવી સરકાર ભાઈ ભાઈને અંદરો અંદર લડાવે છે. ખેડૂતોને વીજળી, સિંચાઈનું પાણી મળતું નથી. ખેડૂત આર્થિક રીતે નબળો બન્યો છે. ગુજરાતમાં લોકશાહીનું હનન થઈ રહ્યું છે. રાજ્યમાં ઉપવાસ, સભા કે વિરોધ કરવા દેવામાં આવતો નથી. આ સરકાર સામે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે તેને પણ દબાવી દેવાય છે.
બીજી બાજુ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે, રાજ્યમાં સરકાર મસ્ત છે અને ખેડૂતો ત્રસ્ત છે. સરકાર પોતાના મનની જ વાત કરે છે પરંતુ ખેડૂતોના મનની વાત સાંભળતી નથી. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ખેડૂતોનાં દેવાં માફ કરવામાં આવે તો ગુજરાતમાં કેમ નહીં? તેમ કહીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કેન્દ્ર સરકાર ઉદ્યોગપતિઓને લાભ કરાવે છે તો ખૂડેતોનાં દેવાં પણ માફ થવા જોઈએ એવી માગણી પણ તેમણે કરી.