ત્રણ રાજ્યોમાં પ્રચંડ જીત બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વાકપ્રહાર તીવ્ર કરી દીધા છે. ખેડૂતોના દેવા માફીના મુદ્દે આજે રાહુલ ગાંધીએ ફરી પીએમ મોદીને ઘેર્યા. રાહુલે ટ્વીટ કરીને કહ્યું- કોંગ્રેસે અસમ અને ગુજરાતના મુખ્યમંત્રીઓને લાંબી ઉંઘમાંથી જગાડ્યા છે. પીએમ હજૂ પણ ઉંઘી રહ્યા છે. અમે તેમને પણ જગાડી દઈશું.
રાહુલે મંગળવારે પણ ખેડૂતોના દેવા માફીને લઈ પીએમ મોદીને નિશાન બનાવ્યા હતા. રાહુલે કહ્યું હતુ કે- અમે પ્રધાનમંત્રી મોદીને ત્યાં સુધી સુવા નહીં દઈએ જ્યાં સુધી તે ખેડૂતોના દેવા માફ ન કરી દે, તમામ વિપક્ષી દળો એક થઈને તેની માંગ કરીશું. અત્યાર સુધી પ્રધાનમંત્રીએ ખેડૂતોને એક રૂપિયાની પણ છૂટ આપી નથી.
જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં સરકાર બનતા જ સીએમ કમલનાથે સૌથી પહેલા ખેડૂતોના દેવા માફીની ફાઈલ પર હસ્તાક્ષર કર્યા હતા. તેઓએ 2 લાખ રૂપિયા સુધીની દેવામાફી કરવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસે ચૂંટણી દરમિયાન વાયદો કર્યો હતો કે કોંગ્રેસની સરકાર બનવાના સાથે 10 દિવસમાંજ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે.
મધ્યપ્રદેશમાં ખેડૂતોનું દેવુ માફ થતા જ ભાજપ પર પણ દબાણ વધી ગયુ છે. પરિસ્થિતિ પર ધ્યાન આપતા અસમના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે પણ ખેડૂતોના દેવામાફીની જાહેરાત કરી, જ્યારે ગુજરાતની ભાજપ સરકારે ખેડૂતોના વિજ બિલ માફ કર્યા. તેનાથી સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે 2019ની ચૂંટણી ખેડૂતોના દેવામાફી પર લડવામાં આવશે.