ભારતીય જનતા પાર્ટીના 39માં સ્થાપના દિવસે પાર્ટીના કદ્દાવર નેતા શત્રુઘ્ન સિન્હા શનિવારે કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. ભાજપના નેતૃત્વ સાથે લાંબા સમયથી ખફા ચાલી રહેલા શત્રુઘ્ન સિન્હા દિલ્હીમાં એક કાર્યક્રમમાં કોંગ્રેસમાં સામેલ થયા. આ દરમિયાન કોંગ્રેસ તરફથી પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા, બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલ, પાર્ટીના વરિષ્ઠ નેતા કે સી વેણુગોપાલ હાજર હતા.
આ દરમિયાન પાર્ટી નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, બેજિજક અભિપ્રાય વ્યક્ત કરનારા શત્રુઘ્ન સિન્હા ખોટી પાર્ટીમાં હતા. કેસી વેણુગોપાલે કહ્યું કે, તેમને આશા છે કે શત્રુઘ્ન સિન્હા કોંગ્રેસની વિચારધારાને આગળ વધારવામાં મદદગાર સાબિત હશે.
કોંગ્રેસમાં સામેલ થયા બાદ શું બોલ્યા શત્રુઘ્ન સિન્હા
કોંગ્રેસમાં સામેલ થયા બાદ શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, નવરાત્રીના અવસરે કોંગ્રેસમાં સામેલ થયા છે અને આ અવસરે કોંગ્રેસ નેતૃત્વનો પણ આભાર વ્યક્ત કરે છે. શત્રુઘ્ન સિન્હાએ આ અવસરે પોતાની રાજનીતિક જીવન યાત્રામાં સામેલ તમામ લોકોને શુભકામનાઓ આપી.
શત્રુઘ્ન સિન્હાએ નરેન્દ્ર મોદી, અમિત શાહ પર હમલો કરતા કહ્યું કે ભાજપમાં તેઓએ લોકશાહીને ધીર-ધીરે તાનાશાહીમાં પરિવર્તિત થતા જોઈ. શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, હાલના ભાજપ નેતૃત્વએ યશવંત સિન્હા, મુરલી મનોહર જોશી, અરૂણ શૌરી જેવા કદ્દાવાર વ્યક્તિત્વને નિપટાવી દેવામાં આવ્યા.