ગાંધીનગરઃ કોંગ્રેસમાં આંતરિક અસંતોષ બહાર આવી રહ્યો છે. ઉંઝાથી કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલના રાજીનામાએ કોંગ્રેસમાં બધુ બરોબર ચાલી રહ્યું નથી તે વાત સાબિત કરી રહી છે. સૂત્રોના મતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની નિર્ણયો લેવામાં જોહુકમી સામે પક્ષના અનેક નેતાઓ અને ધારાસભ્યો નારાજ છે.
કોંગ્રેસે જ્યારે અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસનું સુકાન સોંપ્યું હતું ત્યારે એવી આશા હતી કે યુવા પાસે કોંગ્રેસનું નેતૃત્વ આવ્યું છે જે ગુજરાતમાં પડી ગયેલી કોંગ્રેસને ફરીથી બેઠી કરશે પરંતુ આટલા સમયમાં એવું કાંઇ પણ થઇ શક્યું નથી.
સૂત્રોએ જાણકારી આપી હતી કે, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી વચ્ચેનું શીતયુદ્ધના કારણે કોંગ્રેસના ધારાસભ્યો, આગેવાનો અને કાર્યકરો પાર્ટીથી ભારે નારાજ છે. રાજકીય સૂત્રોના મતે ગુજરાત કોંગ્રેસમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે ગમે તે ઘડીએ પ્રમુખ અમિત ચાવડા સામે બળવો પણ થઈ શકે છે. કારણ કે અમિત ચાવડાના કાર્યકાળમાં જ કોંગ્રેસે ગુજરાતમાં બે ધારાસભ્યો ગુમાવ્યા છે તો પાંચ જિલ્લા પંચાયતો, 19 તાલુકા પંચાયતો ગુમાવી છે.
કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા આશાબેન પટેલે પણ વિરોધ પક્ષના નેતા ધાનાણી સાથેની બેઠકમાં અમિત ચાવડાના નજીકના મનાતા કિર્તીસિંહ ઝાલા પર જોહુકમીનો આરોપ લગાવ્યો હતો. તે સિવાય હોદ્દાની નિમણૂંકમાં પણ અમિત ચાવડાના નજીકના માણસોને મહત્વ આપવામાં આવતું હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે.
એક એવી પણ ચર્ચા છે કે ગુજરાત કોંગ્રેસના નવ ધારાસભ્યો એક ગુપ્ત બેઠક કરી હતી અને તેઓ અમિત ચાવડા સામે બળવો કરી શકે છે. એટલું જ નહી તેમાંથી નારાજ ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં પણ સામેલ થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રભારી રાજીવ સાતવ ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમની સામે પણ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં અસંતોષ હોવાની વાત રજૂ કરાઇ હતી. કોંગ્રેસની નેતાગીરીથી નારાજ ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને કુંવરજી બાવળિયા પણ કોંગ્રેસ છોડી ચૂક્યા છે. કોંગ્રેસના અસંતોષ કાર્યકરોએ રાહુલ ગાંધીને મળવાનો પણ સમય માંગ્યો છે. લોકસભા ચૂંટણી પહેલા પ્રમુખ સામે બાંયો ચડાવવા MLA એકજૂથ થયા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.