કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ શુક્રવારે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ અને બપોરે લગભગ ડોઢ વાગ્યે જ શિવસેનામાં સામેલ થઈ ગયા. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં તેઓએ પાર્ટીની સભ્યતા ગ્રહણ કરી.
કોંગ્રેસની મજબૂત વિરોધી ભાજપની સહયોગી પાર્ટી શિવસેનામાં સામેલ થવાના સવાલ પર તેઓએ કહ્યું કે, મેં આત્મસન્માન માટે પાર્ટી છોડી. ટિકિટના સવાલ પર પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, ભલે ઉત્તર પ્રદેશના મથુરા સાથે તેમનું જોડાણ રહ્યું છે અને તેમના માતા-પિતાનું ઘર છે, પરંતુ તેઓએ ક્યારેય મથુરાથી ટિકિટ નથી માંગી.
શિવસેનાને લઈ તેઓએ કહ્યું કે મારુ ક્યારેય મન પરિવર્તન નથી થયુ. બાળપણથી જ મારા મનમાં શિવસેનાને લઈ સન્માન રહ્યું છે. ફક્ત હું જ નહીં, પરંતુ દરેક મુંબઈકરાના દિલમાં શિવસેના રાજ કરે છે.
મેં 10 વર્ષમાં પાર્ટી (કોંગ્રેસ) પાસેથી કશું નથી માંગ્યુ. સેવા ભાવથી જોડાયેલી હતી. પાર્ટીએ જે પણ જવાબદારી આપી, મેં નિભાવી. કહ્યું કે હું મુદ્દાની લડાઈ લડી રહી છું. મહિલા સન્માન પણ મારા માટે મહત્વનો મુદ્દો રહ્યો છે.
તેઓએ પોતાનું રાજીનામું રાહુલ ગાંધીને મોકલ્યુ. પ્રિયંકાએ પોતાનું રાજીનામું ટ્વીટર પર પણ પોસ્ટ કર્યું છે. તેઓએ લખ્યું, 'છેલ્લા ત્રણ દિવસમાં દેશભરમાંથી મળેલા પ્રેમ અને સમર્થનથી હું ઘણી ખુશ અને આભારી છું. સમર્થનના આ પ્રવાહથી હું પોતાને ધન્ય માનું છું. આ સફરનો ભાગ બનવા માટે તમારા સૌનો આભાર.'