અમદાવાદઃ કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતના કેવડિયા ખાતે આગામી 15 ફેબ્રુઆરીથી ત્રણ દિવસની કોન્ફરન્સ બોલાવી છે. આ બેઠક 17 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે અને એ પછીના દિવસે એટલે કે 18 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે તેમ ચૂંટણી પંચનાં સૂત્રોએ જણાવ્યું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ વખતે દેશભરમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાઈ શકે છે. પ્રથણ તબક્કાનું મતદાન એપ્રિલના પહેલા સપ્તાહમાં થશે અને છેલ્લા તબક્કાનું મતદાન મે મહિનાના બીજા સપ્તાહમાં થશે. મતગણતરી 15 મે, 2019ના રોજ હાથ ધરાય તેવી શક્યતા છે.
વર્તમાન લોકસભાની મુદત મે મહિનામાં પૂરી થાય છે તેથી તે પહેલાં લોકસભાની ચૂંટણી યોજવી જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનો કાર્યકાળ મે, 2019માં પૂર્ણ થવા જઈ રહ્યો છે તેથી લોકસભાની ચૂંટણી યોજીને નવી સરકારની રચના માટેની કાર્યવાહીનું ‘કાઉન્ટ-ડાઉન’ શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય ચૂંટણ પંચે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દીધી છે. તેના ભાગરૂપે આગામી 15,16 અને 17 ફેબ્રુઆરીએ સેન્ટ્રલ ઇલેક્શન કમિશનની કેવડીયામાં સાધુબેટ ખાતે મહત્વપૂર્ણ કોન્ફરન્સ યોજાશે.
કેન્દ્રીય ચૂંટણી પંચે યોજેલી ઓલ ઇન્ડિયા સ્ટેટ ઈલેક્શન કમિશનર્સ કોન્ફરન્સમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા અને અન્ય ચૂંટણી કમિશનર અશોક લવાસા હાજર રહેશે. હાલમાં ત્રીજા ચૂંટણી કમિશ્નરની જગા ખાલી છે. આ ઉપરાંત તમામ રાજ્યોના ચૂંટણી કમિશનર હાજર રહેશે. ગુજરાતના ચૂંટણી કમિશ્નર એસ. મુરલીક્રિષ્ણા પણ આ બેઠકમાં હાજરી આપશે.
આ કોન્ફરન્સમાં ચૂંટણી પહેલાની તૈયારીઓ અંગે સમીક્ષા કરીને આખરી ઓપ આપવામાં આવશે. હાલમાં દેશભરમાં નવી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. આ યાદીમાં સુધારાવધારાની કામગીરી શરૂ થઈ છે. મતદારો પોતાનાં નામ મતદાર યાદીમાં ચેક કરીને જરૂરી સુદારાવધારાની પ્રક્રિયા કરી શકે છે.
આવતા મહિને અંતિમ મતદાર યાદી પ્રસિધ્ધ કરાશે અને તેમાં સમાવિષ્ટ મતદારો લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી શકશે. આ કોન્ફરન્સમાં લોકસભાની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવે તેવી પણ શક્યતા છે.