ગાંધીનગર ગુજરાતમાં ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોળી મતોને આકર્ષવા માટે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સક્રીય થઇ ગયા છે. ભાજપ કુંવરજીના માધ્યમથી લોકસભાની ચૂંટણી પહેલા કોળી મતોને અંકે કરવા માંગે છે. જેને લઇને આગામી દિવસોમાં ભાજપે કોળી સમાજનું સૌરાષ્ટ્રના મુખ્ય સેંટર પર સંમેલન બોલવાનું નક્કી કરવામાં આવ્યું છે.
બીજી ફેબ્રુઆરીના રોજ ચોટીલા ખાતે કોળી સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ મહાસંમેલનની આગેવાની ભાજપના નેતા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજરી આપે તેવી સંભાવના છે. લોકસભાની ચૂંટણીને લઈને કોળી સમાજના મતો અંકે કરવા માટે સૌરાષ્ટ્રના કોળી સમાજને એકઠો કરવાના પ્રયાસ થઈ રહ્યા છે.
આ સંમેલનમાં સમસ્ત કોળી સમાજના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકોને આમંત્રણ આપવામા આવશે. કોળી સમાજના લોકોનો શિક્ષણ અને સામાજીક વિકાસ થાય તેવી યોજના છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં કુંવરજી બાવળિયાની જીત થઈ હતી. આ જીત બાદ કુંવરજી કોળી સમાજના દિગ્ગજ નેતા તરીકે ઉભર્યા છે.
ચૂંટણી પહેલા ગુજરાતના કોળી નેતા તેમજ કોંગ્રેસના પીઢ નેતા કુંવરજીભાઈ બાવળિયાને ભાજપમાં સામેલ કર્યા હતા. કુંવરજી બાવળિયાને ભાજપે કેબિનેટ મંત્રીનો દરજ્જો આપ્યો હતો. ગઈ વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.
જ્યા વધુ સંખ્યામાં કોળી સમાજના લોકો હશે ત્યાં આ પ્રકારના સંમેલનો યોજવામાં આવશે. અખિલ ભારતીય કોળી સમાજને જોડે રાખીને સમાજનુ મહત્વ જળવાઈ રહે અને અન્ય સમાજના હક અધિકાર જળવાઈ રહે તે જોવામાં આવશે.
મહા સંમેલનમાં કોળી સમાજમાં શિક્ષણ અને સામાજીક ઉત્કર્ષ માટેની યોજના, વિદ્યાર્થીઓ માટે છાત્રાલયોની સુવિધા ઉભી કરવી, સમાજને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવો વગેરે વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત મહિલાઓના ઉત્કર્ષ માટે અનેક યોજનાઓનો લાભ લઈ મહિલાઓ પગભર થાય તેની ચિંતા અને ચર્ચા કરવામાં આવશે.