ગાંધીનગરઃ ભાજપ હાઈકમાન્ડે કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવા નિર્ણય લીધો હોવાની ચર્ચા શરૂ થતાં ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. રાજકોટના એક દૈનિકમાં છપાયેલા અહેવાલ બાદ આ ચર્ચાએ જોર પકડ્યું છે.
લોકસભાની ચૂંટણીમાં કોળી મતો અંકે કરવા અને સૌરાષ્ટ્રની તમામ બેઠકો જીતવા આ વ્યૂહ અપનાવાયાની ચર્ચા છે. કુંવરજી બાવળિયાએ આ અહેવાલોને નકાર્યા છે. તેમણે આવી કોઈ હિલચાલની પોતાને જાણ નહીં હોવાનું કહ્યું હતું.
આ ચર્ચા પ્રમાણે ગુજરાતમાં મોટી રાજકીય નવાજૂની થાય તેવાં એંધાણ વર્તાઈ રહ્યાં છે અને કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવાનો તખ્તો તૈયાર કરી દેવાયો છે. અહેવાલ પ્રમાણે કુંવરજી બાવળિયાને આ મહિને જ નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. ભાજપે કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવાવા અહેવાલ અંગે કશું કહેવાનો ઈન્કાર કર્યો છે.
તાજેતરમાં જસદણની પેટાચૂંટણી જીતીને આવેલા કુંવરજીભાઇ બાવળિયાને દિલ્હીનું તેડુ આવ્યું તેનું કારણ કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવાની ભાજપ હાઈકમાન્ડની ઈચ્છા છે. આ મુલાકાત દરમિયાન બાવળિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને મળ્યા હતા. આ મુલાકાતો બાદ તેમને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બનાવાય તેવી ચર્ચા શરૂ થઇ છે.
આ અહેવાલના પગલે બાવળીયા નાયબ મુખ્યમંત્રી બનાવાય તો કોનું પત્તુ કપાશે, એ ચર્ચાએ પણ જોર પકડ્યું છે. એક ચર્ચા એવી પણ છે કે,બાવળીયાને પ્રમોટ કરવા નીતિન પટેલનું પત્તુ કાપી દેવાશે. વર્તમાન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને 2019ની લોકસભાની ચૂંટણી લડાવી દિલ્હી મોકલાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
બીજી તરફ એવી પણ ચર્ચા છે કે, રૂપાણીને રવાના કરીને નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવાશે અને બાવળીયાને નાયબ મુખ્યમંત્રી બનાવાશે. ભાજપ લોકસભાની ચૂંટણી માટે પાટીદાર અને કોળી કાર્ડ રમીને કોંગ્રેસને મ્હાત આપવા માગે છે.
રૂપાણી પણ સૌરાષ્ટ્રના હોવાથી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને એક વિસ્તારના હોય તો અન્ય વિસ્તારમાં અસંતોષ ફેલાય, આ કારણે બાવળીયાને પ્રમોટ કરવા રૂપાણીનો ભોગ લેવાય જશે એવી ચર્ચા ભાજપમાં જ ચાલી રહી છે.