પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન પર નિશાન સાધ્યુ. મોદીએ કહ્યું કે આ બંન્ને પાર્ટીઓ જનતા સાથેથી વિખુટી અને પોતાના પરિવાર સાથે જોડાયેલી છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને જેડીએસની પ્રાથમિકતા પોતે અને પરિવારનો સ્વાર્થ જ છે. મોદીએ કહ્યું કે આ બંન્ને પાર્ટીઓનું મિશન, કમીશન છે.
મોદીએ કર્ણાટકના કોપ્પલમાં કહ્યું- કોંગ્રેસ તેમજ જેડીએસ બંન્ને પાર્ટી નાગરિકોથી જેટલી વિખુટી છે એટલી જ ફક્તને ફક્ત પોતાના પરિવાર સાથે જોડાયેલી છે. તેમને તમારી જરૂરિયાતોની પડી નથી. પોતાનો સ્વાર્થ અને પરિવારનો સ્વાર્થ જ તેમની પ્રાથમિકતા છે.
કર્ણાટકના મુખ્યમંત્રી પર લગાવ્યા સૈનિકોના અપમાનનો આરોપ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી પર પણ જોરદાર નિશાન સાધ્યુ. તેઓએ કહ્યું કે અહીંના મુખ્યમંત્રીએ કહ્યું છે કે જેમને બે ટાણાનું ભોજન નથી મળતુ તે સેનામાં જાય છે. શું આ આપણા વીર સૈનિકોનું અમાન છે કે નહીં. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે શું કર્ણાટકના મુખ્યમંત્રી આ પ્રકારે વોટ માંગશે. તેમણે આગળ કહ્યું કે, અરે ડુબી મરો દેશની સેનાનું અમાન કરનારાઓ.
મોદીએ આગળ કહ્યું કે, એચડી દેવગૌડાજીના દીકરાએ કહ્યું કે કેન્દ્રમાં જો ફરીથી મોદી સરકાર બની ગઈ તો તે રાજનીતિમાંથી સંન્યાસ લેશે. 2014ની ચૂંટણીમાં સ્વામી દેવ ગૌડાજીએ કહ્યું હતુ કે જો મોદી પીએમ બનશે તો હું સંન્યાસ લઈ લઈશ. તેઓએ લીધો ખરો? મોદીએ આગળ કહ્યું દીકરો સંન્યાસ લેશે ખરો?