મધ્ય પ્રદેશમાં 15 વર્ષનો વનવાસ ખતમ કરીને કોંગ્રેસ એક વાર ફરીથી સરકાર બનાવવા જઈ રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ રાજ્યના મુખ્યમંત્રી હશે. ભોપાલમાં મોડી રાત્રે કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક થઈ, જેમાં તેમને નેતા તરીકે પસંદ કરી લેવાયા.
જણાવી દઈએ કે 11 ડિસેમ્બરે આવેલા વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદથી કોંગ્રેસમાં સીએમ પદને લઈ માથાપચ્ચી ચાલી રહી હતી. મુખ્યમંત્રી પદ માટે કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાના નામની સૌથી વધારે ચર્ચા હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તરફથી કમલનાથના નામ પર મહોર લગાવી.
ઈન્દિરા ગાંધીનો ત્રીજો દીકરો બન્યો સીએમ
કમલનાથને આઠ મહિના પહેલા જ મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જ્યારે તેમને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા, ત્યારે એ વાત ફરીથી ચર્ચામાં આવી કે પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી તેમને પોતાનો ત્રીજો દીકરો માનતા હતા.
હકીકતમાં, એક વાર ઈન્દિરા ગાંધી છિંદવાડા લોકસભા સીટ પરથી લડી રહેલા કમલનાથ માટે ચૂંટણી પ્રચાર કરવા માટે આવ્યા હતા. ઈન્દિરાએ ચૂંટણી રેલીમાં ત્યારે લોકોને કહ્યું હતુ કે, 'કમલનાથ મારા માટે ત્રીજા દીકરા જેવા છે. મહેરબાની કરીને તેમને વોટ આપો.'
વર્ષ 1979માં કમલનાથે મોરારજી દેસાઈની સરકાર સાથે મુકાબલો કરવામાં કોંગ્રેસની મદદ કરી હતી. કમલનાથ સંજય ગાંધીના હૉસ્ટેલમેટ હતા અને કટોકટી બાદ મોરારજી દેસાઈની સરકારમાં તેમના માટે જેલ પણ ગયા હતા. 39 વર્ષ બાદ 72 વર્ષના કમલનાથે હવે ઈન્દિરા ગાંધીના પૌત્ર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે પણ મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં દમદાર ભૂમિકા નિભાવી છે.
કમલનાથનો સફર
કમલનાથની ગણતરી દેશના દિગ્ગજ કોગ્રેસ નેતાઓમાં થાય છે. 18 નવેમ્બર 1964માં ઉત્તરપ્રદેશના કાનપુરમાં જન્મેલા કમલનાથને પ્રારંભિક શિક્ષણ દૂન સ્કૂલમાંથી લીધું. જ્યાં તેમની ઓળખાણ કોગ્રેસના નેતા સંજય ગાંધી સાથે થઇ.
બાદમાં તેમણે કોલકત્તાની સેન્ટ જેવિયર કોલેજમાંથી બીકોમ કર્યું. 27 જાન્યુઆરી 1973ના રોજ કમલનાથે અલકા નાથ સાથે લગ્ન કર્યા. કમલનાથના બે દીકરા છે. તેમનો દીકરો નકુલનાથ રાજનીતિમાં સક્રીય છે.
કમલનાથ નવ વખત લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે. તેઓ વર્ષ 1980માં 34 વર્ષની ઉંમરમાં છિંદવાડામાં પ્રથમવાર લોકસભા ચૂંટણી જીત્યા હતા. કમલનાથ 1985,1989,1991માં સતત ચૂંટણી જીત્યા હતા. 1991થી 1995 સુધી તેમણે નરસિમ્હા રાવ સરકારમાં પર્યાવરણ મંત્રાલય સંભાળ્યું હતું.
તેઓ 1995થી 1996 સુધી કાપડ મંત્રી રહ્યા. છિંદવાડાના મતદારોએ કમલનાથને ફક્ત એકવાર નિરાશ કર્યા હતા. જ્યારે 1997માં તેમને પૂર્વ મુખ્યમંત્રી સુંદર લાલ પટવાના હાથે હાર મળી હતી. 1996માં કમલનાથના સ્થાને તેમની પત્ની લડી હતી અને જીત મળી હતી.
2001માં તેમણે મહાસચિવ બનાવાયા હતા. તે 2004 સુધી પાર્ટીના મહાસચિવ રહ્યા. 2004માં ફરીવાર લોકસભા ચૂંટણી જીત્યા અને મનમોહન સિંહ સરકારમાં તેઓ ફરીવાર મંત્રી બન્યા અને તેમને વાણિજ્ય મંત્રાલય સોંપવામાં આવ્યું. કમલનાથે યુપીએ-1ની સરકારમાં પાંચ વર્ષ સુધી મહત્વના મંત્રાલય સંભાળ્યા. બાદમાં 2009માં ચૂંટણી જીતી મનમોહનસિંહ સરકારમાં રોડ પરિવહન મંત્રાલય સોંપાયું.
વર્ષ 2012માં કમલનાથ સંસદીય કાર્યમંત્રી બન્યા. 26 એપ્રિલ 2018ના રોજ કમલનાથને મધ્યપ્રદેશ કોગ્રેસના અધ્યક્ષ બનાવાયા હતા. તેમને અરુણ યાદવના સ્થાને અધ્યક્ષ બનાવાયા હતા. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તમામ 230 બેઠકોમાંથી 114 બેઠકો સાથે કોગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. કોગ્રેસ બીએસપીના સમર્થન સાથે બહુમતના આંકડા 116 બેઠકો સુધી પહોંચી છે.
મધ્યપ્રદેશમાં મળી હતી અહેમ જવાબદારી
કમલનાથની ગણતરી કોંગ્રેસના તે નેતાઓમાં થાય છે જે સંકટના સમયમાં પણ પાર્ટીની સાથે હંમેશા રહે છે. ચાહે તે રાજીવ ગાંધીનું નિધન હોય, 1996થી લઈ 2004 સુધી જે સંકટમાંથી કોંગ્રેસ પસાર થઈ રહી હતી, એ દરમિયાન પણ તે પાર્ટીની સાથે રહ્યા અને એ પણ ત્યારે જ્યારે શરદ પવાર જેવા દિગ્ગજ નેતાઓએ પાર્ટીનો સાથ છોડી દીધો હતો. 26 એપ્રિલ 2018 એ તે મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. તેમને અરૂણ યાદવની જગ્યાએ અધ્યક્ષ બનાવવામાં આવ્યા.
રાજનીતિમાં કેવી રીતે આવ્યા કમલનાથ
કાનપુરમાં જન્મ, દેહરાદૂન અને પશ્ચિમ બંગાળમાં અભ્યાસ કર્યો પણ એવું તે શું થયું કે કમલનાથને રાજનીતિ મધ્ય પ્રદેશમાંથી કરવી પડી. હકીકકતમાં દેશના સૌથી મોટા રાજનીતિક પરિવારમાંથી આવનારા સંજય ગાંધીની મિત્રતા દૂન સ્કૂલમાં પશ્ચિમ બંગાળથી આવનારા કમનાથ સાથે થઈ.
દૂન સ્કુલથી શરૂ થયેલી આ મિત્રતા ધીરે-ધીરે પારિવારિક થઈ ગઈ. દૂન સ્કૂલથી અભ્યાસ કર્યા બાદ કમલનાથ કોલકાતાથી સેન્ટ જેવિયર કૉલેજ પહોંચ્યા. જો કે શહેર તો બદલાઈ ગયુ પણ બંન્નેની મિત્રતા વધારે દૂર ન રહી શકી.
કમલનાથ પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીના સમયથી જ ગાંધી પરિવારના નજીકના રહ્યા છે. કમલનાથ પોતાનો બિઝનેસ વધારવા માંગતા હતા. એવામાં એક વાર ફરીથી દૂન સ્કૂલના આ બંન્ને મિત્રો નજીક આવી ગયા. કહેવામા આવે છે ઈમરજન્સીના સમયમાં કમલનાથની કંપની જ્યારે સંકટમાં ચાલી રહી હતી તો એમાંથી તેમને નિકળવામાં સંજય ગાંધીનો અહેમ રોલ રહ્યો.
સંજય ગાંધીની છબી એક તેઝ તર્રાર નેતા તરીકે થતી હતી. કમલનાથ ઈન્દિરા ગાંધીના આ નાના દીકરા સાથે દર સમયે રહેતા હતા. મોટા દીકરા રાજીવ ગાંધીને રાજનીતિમાં આવવાની ઈચ્છા નહોતી. એવામાં સંજય ગાંધીને જરૂર હતી એક સાથની એને તે હતા કમલનાથ. 1975માં ઈમરજન્સી બાદથી કોંગ્રેસ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી.
આ સમયે સંજય ગાંધીનું અકાળે મોત થઈ ગયું, ઈન્દિરા ગાંધીની પણ ઉંમર હવે સાથ નહોતી આપી રહી. કોંગ્રેસ સતત નબળી થઈ ગઈ. કમલનાથ ગાંધી પરિવારના નજીક આવી ચુક્યા હતા, તે સતત મહેનત પણ કરતા રહ્યા. તે સતત પાર્ટીની સાથે ઉભા રહ્યા હતા. તેનું ઈનામ તેમને ઈન્દિરા ગાંધીએ આપ્યુ જ્યારે તેમને છિંદવાડા સીટ પરથી ટિકિટ આપવામાં આવી અને રાજનીતિમાં ઉતારી દીધા.
બસ પછી શું ત્યાર બાદ છિંદવાડા કમલનાથનું થઈ ગયુ અને કમલનાથ છિંદવાડાના. તેઓ ત્યારથી સતત આ સીટ પરથી ચૂંટણી જીતતા આવી રહ્યા છે. ફક્ત એક વાર તેમને આ સીટ પર હાર મળી છે. આ વિસ્તાર કમલનાથનો ગઢ બની ચુક્યો છે. તે આ સીટ પર ત્યારે પણ જીત્યા જ્યારે 2014માં કોંગ્રેસે અત્યાર સુધીનું પોતાનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું.
છિંદવાડાના વોટર્સે કમલનાથને ફક્ત એક વાર નિરાશ કર્યા છે જ્યારે 1997માં તેમને પૂર્વ સીએમ સુંદર લાલ પટવાના સામે હાર મળી હતી. 1996માં કમલનાથની જગ્યાએ તેમની પત્ની ચૂંટણી લડી હતી અને જીત મળી હતી.