ગાંધીનગરઃ રાજ્યમાં કેટલાક જિલ્લાને ચોમાસામાં વરસાદ ઓછો પડવાના કારણે અસરગ્રસ્ત જાહેર થયા છે ત્યારે દુષ્કાળની સ્થિતિનો સામનો કરી રહેલા રાજ્યના સાત જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર છે. ખેડૂતો લાંબા સમયથી શિયાળુ પાક માટે પાણીની માંગ કરી રહ્યા હતા ત્યારે સરકારે ખેડૂતો માટે ડેમમાંથી પાણી છોડ્યું છે.
મળતી જાણકારી અનુસાર, શિયાળુ પાક તેમજ ઘાસચારા માટે રૂપાણી સરકાર દ્ધારા કડાણા ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાણી છોડવાને નિર્ણયને કારણે સાત જિલ્લાના ખેડૂતોને તેનો લાભ મળશે. નોંધનીય છે કે રાજ્યમાં કેટલાક જિલ્લાના ખેડૂતો પાણીની અછતનો સામનો કરી રહ્યા છે.
પાણી છોડવાનો લાભ મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, મહેસાણા સહિતના 7 જિલ્લાના ખેડૂતોને મળશે. હાલમાં ખેડૂતોએ જીરૂ, ચણા અને ઘઉંનું વાવેતર કર્યું છે અને તેના માટે પાણીની ખૂબ જરૂર છે. ખેડૂતોએ અનેકવાર સરકારને આ માટે રજૂઆતો કરી હતી ત્યારે સરકારે હવે ખેડૂતોની રજૂઆતને કાને ધરી કડાણા ડેમમાંથી 750 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લીધો છે.
પાણી છોડવવાના કારણે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતોને પણ તેનો ફાયદો થશે. હાલ કડાણા ડેમની સપાટી 401.10 ફૂટ છે. પાણી છોડવાના નિર્ણયને કારણે ખેડૂતોને તેમનો પાક બચાવવામાં મદદ મળશે. નોંધનીય છે કે, આજે જાહેર કરાયેલા ગુજરાતના લેખાનુદાનમાં સરકારે ખેડૂતો માટે મહત્વની જાહેરાતો કરી છે.
નીતિન પટેલે કહ્યું હતું કે, 'અછતગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને 1500 કરોડથી વધુ અછત સહાય ચૂકવી દેવામાં આવી છે. 6 કરોડ 84 હજાર કિલોગ્રામ ઘાસ અછતગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યું છે. કૃષિક્ષેત્રે કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 7.30 ટકા છે. આ ઉપરાંત રાજ્યનો કૃષિ વિકાસ દર 12.11 ટકા છે. ખેડૂતોને વધુ 2 કલાક વીજળી આપવા સરકારે 436 કરોડ ખર્ચ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવા સરકાર પ્રયત્નશીલ છે