નવી દિલ્હીઃ પોતાના નિવેદનોથી હંમેશા સમાચારોમાં રહેનારા કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ એક વાર ફરીથી એવું નિવેદન આપ્યું છે જેની ચર્ચા જોર-શોરથી થઈ રહી છે. અઠાવલેએ કહ્યું કે મોદી સરકાર તો 15 લાખ આપવા માંગે છે પણ આરબીઆઈ પૈસા આપતું નથી.
અઠાવલેએ કહ્યું, 'એક દમ 15 લાખ નહીં મળે પણ ધીરે ધીરે મળશે. આટલી મોટી રકમ સરકારની પાસે નથી. અમે આરબીઆઈ પાસેથી માંગી રહ્યા છીએ પણ તે આપી નથી રહી. તેમાં ટેક્નિકી સમસ્યાઓ છે. આ એક સાથે ન થઈ શકે, પણ ધીરે-ધીરે થઈ જશે.'
અઠાવલેએ પ્રધાનમંત્રી મોદીના પણ પેટ ભરીને વખાણ કર્યા અને વિપક્ષ પર નિશાન સાધ્યુ. તેઓએ કહ્યું, 'નરેન્દ્ર મોદી ખુબ જ એક્ટિવ પ્રધાનમંત્રી છે. રાફેલના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે ક્લીન ચિટ આપી છે. તેની સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો જમા કરી દેવામાં આવ્યા છે. વિપક્ષીઓની પાસે કોઈ મુદ્દો નથી, ત્રણ ચાર મહિનામાં બધાની હવા નિકળી જશે. નરેન્દ્ર મોદી એક વાર ફરીથી પ્રધાનમંત્રી બનશે.'
થોડા સમય પહેલા કહ્યું હતુ- રાહુલ ગાંધીએ હવે પપ્પૂ નહીં, પપ્પા બનવું જોઈએ.
આ પહેલા ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની જીત બાદ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. અઠાવલેએ કહ્યું હતુ કે કોંગ્રેસ અધ્યક્ષ હવે એક પરિપક્વ નેતા બની ગયા છે. અઠાવલેએ કહ્યું, 'રાહુલ ગાંધીને પપ્પૂ કહેતા હતા પણ મારી આ સલાહ છે કે પપ્પૂ નહીં તમારે પપ્પા હોવું જોઈએ અને પપ્પા હોવા માટે લગ્ન કરવા જોઈએ, તમને ત્રણ રાજ્યમાં સફળતા મળી છે. રાહુલ ગાંધી જલ્દી લગ્ન કરે અને પપ્પા બનવાના કામ કરે.'