અમદાવાદઃ જાસપુરમાં વિશ્વનું સૌથી મોટું ઉમિયા માતાજીનું મંદિર બની રહ્યું છે. 4 માર્ચે થનારા તેના ભૂમિ પૂજનમાં 10 લાખથી વધુ લોકો દર્શન માટે આવશે ત્યારે તેમની વ્યવસ્થા માટે કડવા પટેલ સમાજના મહાનુભાવો સ્વયંસેવક તરીકે ફરજ બજાવશે.
નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા આ ભૂમિપૂજનમાં સ્વયંસેવક તરીકે કામ કરશે. આ ઉપરાંત કૌશિક પટેલ, સૌરભ પટેલ અને ધારાસભ્ય બાબુલાલ જમનાદાસ પટેલ સહિતના નેતા સમાજના સ્વયંસેવક તરીકે સેવા આપશે. આ ઉપરાંત રાજ્યના સાતથી વધુ જિલ્લાઓમાં પાટીદાર સહિત તમામ સમાજના 20 હજાર લોકો સેવા આપશે.
આ કાર્યક્રમ માટે ડીઆર પટેલ (પૂર્વ આઈપીએસ અધિકારી ) સલામતી અને ટ્રાફિક કન્ટ્રોલ કમિટીના અઘ્યક્ષ છે. તે પણ સ્વયંસેવક તરીકે કામ કરશે. બીજી તરફ અરવિંદ પટેલ (સાબરમતી ધારાસભ્ય) અને હસમુખ પટેલ (અમરાઈવાડી ) પાર્કિંગ સુવિધા જોશે. એમ.એસ. પટેલ (શહેરી વિકાસ કમિશનર) અને રમેશ મેરજા (રેસિડેન્ટલ કલેક્ટર, ખેડા) સરકારી તંત્ર સાથે સંકલન કરશે.
આ કાર્યક્રમ માટે ટ્રાફિકનો રૂટ પણ નક્કી કરાયો છે તથા પાર્કિંગની અલગ વ્યવસ્થા પણ નક્કી કરાઈ છે. આ વ્યવસ્થા પ્રમાણે સાબરકાંઠા, અરવલ્લીથી કાર્યક્રમમાં આવતા વાહનો ચિલોડા સર્કલથી સેક્ટર 30 સર્કલ, ઈન્દ્રોડા સર્કલ, ઉવારસદ ચાર રસ્તા, અજાલજડ ઓવરબ્રિજ ઉતરી ખોરજ થઈ અદાણી શાંતિગ્રામમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
ખેડા, આણંદ, વડોદરા, સુરત તરફથી કાર્યક્રમમાં આવતા વાહનો એકસપ્રેસ હાઈવેથી એસપી રિંગરોડ થઈ ઓઢવ સર્કલ, દાસ્તાન સર્કલ, રણાસણ સર્કલ, એપોલો સર્કલ, ઝુંડાલ સર્કલ, વૈષ્ણોદેવી સર્કલથી 200 મીટર આગળ જઈ જમણી બાજૂ વળી કાર્યક્રમ વાળી જગ્યાએ નક્કી કરેલી પાર્કિંગમાં જશે.
મહેસાણા, પાટણ, બનાસકાંઠા તરફથી કાર્યક્રમમાં આવવા વાહનો મહેસાણા-અમદાવાદ હાઈવે પર કલોલ ગુરુકુલ સ્કૂલથી જમણી બાજૂ વળી પલસાણા રોડ થઈ કાર્યક્રમ સ્થળ પર પાર્કિંગ કરશે.સૌરાષ્ટ્ર-કચ્છ તરફથી કાર્યક્રમમાં આવતા વાહનો એસપી રિંગરોડ ઉપર શનાથલ સર્કલ, બોપલ સર્કલ, ભાડજ સર્કલ, આંગણજ સર્કલ ટોલટેક્ષથી આગળ આવી ડાબી બાજુ વળી કાર્યક્રમવાળા સ્થળ પર નક્કી કરેલી પાર્કિંગમાં જશે.