લોકસભાની ચૂંટણી પૂર્વે હવે રાજકીય માહોલ ગરમાઈ ચુક્યો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે નિવેદન આપતા કહ્યું કે શનિવારે તેઓ બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવતી સાથેના ગઠબંધનને લઈ જાહેરાત કરશે.તેમણે કહ્યું કે શનિવારે બંને પાર્ટીના સુપ્રીમો એક સાથે જોઈન્ટ કોન્ફરન્સ કરશે. અને પોતાના વિચારો જનતા સમક્ષ મુકશે. અખિલેશે પોતાના ગઠબંધનની રૂપરેખા દર્શાવતા કહ્યું કે કોઈ પણ જાતના ડર કે મજબુરીમાં આ ગઠબંધન કરવામાં નથી આવ્યું. જોકે આ જનતાના હિતમાં લેવામાં આવેલો એક નિર્ણય છે.
અખિલેશ યાદવે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે શનિવારે થનારા ગઠબંધનમાં માત્ર બસપા અને સપા જ રહશે. કોંગ્રેસ વિશે સ્પષ્ટતા કરતા કહ્યું કે કોંગ્રેસ બીજા રાજ્યોમાં ભલે મજબુત હોય પણ ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના હાલ બેહાલ છે.
સપા અને બસપા 37-37 સીટ પર ચૂંટણી લડી શકે છે. મીડિયા રિપોટર્સ મુજબ ગત શુક્રવારે અખિલેશ અને માયાવતી વચ્ચે દિલ્હીમાં બેઠક થઈ હતી. જેમાં બંને પક્ષ કોંગ્રેસની સાથે મળીને ચૂંટણી લડવાના પક્ષમાં નથી તેવી વાત પણ સામે આવી હતી. આ વચ્ચે મહાગઠબંધનના વધુ એક સહયોગી રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ અજીતસિંહે કહ્યું કે, "અમે ગઠબંધનનો જ હિસ્સો છીએ પરંતુ સીટની વ્હેંચણી પર વાતચીત નથી થઈ. જોકે તેનો અંતીમ નિર્ણય પણ બંને પક્ષના સુપ્રીમો પર રહેશે.