ઉંઝાઃ ભારતમાં સૌથી મોટું એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સનું માર્કેટ યાર્ડ એવી ઉંઝાની એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ માર્કેટિંગ કમિટી (એપીએમસી) પર કબજો કરવા માટે ભાજપમાં જ ચાલતા આંતરિક વિખવાદના કારણે ભૂતપૂર્વ ધારાસભ્ય નારણભાઈ લલ્લુભાઈ પટેલ અને તેમના સમર્થકો ભાજપ છોડવા વિચારી રહ્યા છે. નારણભાઈ લલ્લુભાઈ પટેલ અને તેમના સમર્થકોએ આ માટે ગુપ્ત બેઠકો શરૂ કરી છે. સોમવારે આ અંગે ધડાકો કરાય તેવી શક્યતા છે.
ઉંઝા એપીએમસી પર કબજો કરવા ચાલતું રાજકારણ ચરમસીમાએ છે, ત્યારે ભાજપ હાઈકમાન્ડે કોંગ્રેસ છોડીને આવેલાં આશાબેન પટેલની તરફેણ કરતાં નારણભાઈ લલ્લુભાઈ પટેલ અને તેમના સમર્થકો ભડક્યા છે.
શનિવારે મહેસાણામાં મળેલી ભાજપની બેઠકમાં ભાજપના મહામંત્રી કે. સી. પટેલ સામે બળવો થયો હતા. મહેસાણા જિલ્લા શક્તિ કેન્દ્રમાં ભાજપના કાર્યકરોએ ‘કે. સી. પટેલ, હાય હાય’ અને ‘વેવાઈવાદ બંધ કરો’ના નારા લગાવ્યા હતા. ભાજપના કાર્યકરો કેસરીયા ખેસ જમીન પર ફેંકીને બહાર નીકળી ગયા હતા.
ઊંઝાનાં ભૂતપૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલને કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરાવનારા કે. સી. પટેલના વેવાઈ દિનેશ પટેલને ઊંઝા એપીએમસીના ચેરમેન બનાવવાની સોદાબાજી કરાઈ હોવાના આક્ષેપો ભાજપના જ કાર્યકરો કરી રહ્યા છે. એપીએમસીમાં દિનેશ પટેલને ચેરમેન બનાવવા માટે ગોઠવણ કરાઈ હોવાનું અને તેના ભાગરૂપે નારણભાઈના સમર્થકોનાં નામ મતદાર યાદીમાંથી કમી કરાયાં હોવાનું બહાર આવતાં કે.સી. પટેલનો ઉગ્ર વિરોધ શરૂ થયો છે.
શનિવારે મહેસાણા અને ઊંઝાના કાર્યકરોએ કે. સી. પટેલનો જાહેરમાં વિરોધ કર્યો હતો. ‘વેવાઈ વાદ બંધ કરો’ અને ‘થેલા મૂકીને બહાર આવો’ એમ કહીને કહીને ઘણા કાર્યકરો બહાર આવી ગયા હતા. ઊંઝા બજાર સમિતિની ચૂંટણીના મતદાર યાદી જાહેર કરવામાં આવી તેમાં ખેડૂત, વેપારી અને ખરીદ-વેચાણ સંઘ એમ ત્રણેય વિભાગના મતદાર યાદીમાં સરકારે મોટા પ્રમાણમાં ગોલમાલ કરી હોવાના આક્ષેપો પણ કરાયા છે.
આશા પટેલ અને દિનેશ પટેલને જીતાડવા માટે ભાજપ સરકારે 39 જૂની મંડળીઓમાંથી 21 મંડળીઓને મતદાન યાદીમાં દૂર કરી દીધી છે. આ મંડળીઓ પર ભાજપના કાર્યકરોનું પ્રભુત્વ છે. આ મંડળીઓને મતદાનથી દૂર કરીને નારણ પટેલ અને ગૌરાંગ પટેલને હરાવી શકાય અને આશા પટેલ-દિનેશ પટેલને જીતાડી શકાય તેવું ગણિત છે.