ઉંઝાઃ ભાજપ હાઈકમાન્ડે કોંગ્રેસમાંથી આવેલાં ભૂતપૂર્વ ધારાસભ્ય આશા પટેલને વધારે મહત્વ આપવા માંડતાં ભડકેલા ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય નારણ પટેલે ખુલ્લેઆમ બગાવતના સંકેત આપ્યો છે. એક તરફ નારણ લલ્લુભાઈ પટેલે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સામે આક્ષેપો કર્યા છે.
બીજી તરફ શનિવારે શંકરસિંહ વાઘેલા અને નારણભાઇ એલ. પટેલ વચ્ચે બંધ બારણે મુલાકાત થઇ હતી. આ મુલાકાતને કારણે નારણ બળવો કરીને એનસીપીમાં જોડાઈ જશે તેવી અટકળો તેજ બની છે. નારણએ પોતે આજીવન ભાજપમાં જ રહેશે તેવો દાવો કર્યો છે પણ શંકરસિંહ સાથેની તેમની મુલાકાતને કારણે ભાજપ નેતાગીરી પણ ચિંતામાં પડી ગઈ છે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ ઓમ માથુરે આ ઘટનાક્રમની ગંભીર નોંધ લીધી છે. ઓમ માથુરે પોતે નારણને મનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે અને ટૂંક સમયમાં નારણને મળશે.
નારણ પટેલે આક્ષેપ કર્યો છે કે, ભાજપના મહામંત્રી કે.સી. પટેલે પોતાના વેવાઈ દિનેશ પટેલને ફાયદો કરાવવા માટે આશા પટેલને પક્ષપલટો કરાવ્યો છે. કે.સી.એ જુ વાઘાણીના માધ્યમથી આ ખેલ પાડ્યો છે અને આ રીતે પોતાને બાજુ પર મૂકવા માટે રમત રમાઈ રહી હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે.
આ ઘટનાક્રમ વચ્ચે શંકરસિંહ વાઘેલા અને નારણભાઇ એલ. પટેલ વચ્ચે બંધ બારણે મુલાકાત થઈ હતી. 1970 અને 1980ના દાયકામાં જનસંઘ તથા ભાજપને ઉભો કરનારા આ બન્ને જૂના જોગીઓ વચ્ચેની મુલાકાતથી રાજકીય અટકળોએ જોર પકડ્યું છે.
શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા છે અને લોકસભા ચૂંટણી પહેલાં તેમણે રાજ્યભરમાં પ્રવાસ કાર્યક્રમો શરૂ કર્યા છે. તેના ભાગરૂપે તે ઉંઝા આવ્યા હતા. ઉંઝામાં નારણ પટેલના ઘરે બપોરનું ભોજન શંકરસિંહે લીધપં હતું. આ ઉપરાંત શંકરસિંહે બે અઢી કલાક રોકાણ કર્યું હતું. આ દરમિયાન શંકરસિંહે નારણને સવાલ કર્યો હતો કે, જે પાર્ટીને તમે 53 વર્ષ આપ્યા તેણે તમારી સાથે સાવ આવું કર્યું ?
નારણકાકા સાથે પારિવારિક સંબંધો હોવાનું કહેતા વાઘેલાએ કહ્યું કે, ભાજપે ભારતમાં પહેલી વખત સહકારી માળખામાં સરકારે એકતરફી નિર્ણય લઇને માર્કેટયાર્ડમાંથી કાકાની મંડળીઓને કાઢી નાંખી છે. કાકા સાથે જે થયું તે આઘાતરૂપ છે. અમારી વચ્ચે 40-50 વર્ષથી પારિવારિક સંબંધો છે અને એ કારણે હું તેમને મળવા ગયો હતો.