લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા રાજનીતિક રેલીઓનો દૌર શરૂ થઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અલગ-અલગ શહેરોમાં સતત રેલી કરી રહ્યા છે. મોદીએ શુક્રવારે છત્તીસગઢના રાયગઢમાં રેલીને સંબોધિત કરતા કહ્યું કે, કેન્દ્રમાં ચોકીદાર મજબૂત છે, માટે કોંગ્રેસ હેરાન છે. આજે એજન્સીઓ વિદેશથી તમામ રાજગારોને પરત લાવી રહી છે અને આ કારણે આજે તે દિવસ-રાત મોદીને ગાળો આપી રહ્યા છે.
તેઓએ કહ્યું, 'દેશના અલગ-અલગ ભાગોમાં આવા લોકો મહાગઠબંધનમાં મળી રહ્યા છે, જે ક્યારેક કોંગ્રેસને કોસીને તેનાથી અલગ થઈ ગયા હતા. તેઓમાં હોડ લાગી છે કે કોણ મોદીને કેટલી ગાળો આપી શકે છે. મહામિલાવટમાં સામેલ થવાનો આ જ ક્રાઈટેરિયા છે. તેઓ ગમે તેટલી મહામિલાવટ કરી લે, ચોકીદાર ચુપ નહીં બેસે. હું એ લોકોમાંથી નથી જે પોતાની ચોપડી ખુલવાના ડરથી શક્તિશાળી સુલ્તાનો પર હાથ નાખવાથી બચતા હતા.'
પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેવામાફીના નામે વચેટીયાઓના પેટ ભરનારી કોંગ્રેસની આ જ રીત છે. તે હંમેશા 10 વર્ષ બાદ જ દેવામાફીની યોજના લઈને આવે છે. પહેલા 2009ની ચૂંટણી જીતવા માટે આ યોજના લાવ્યા હતા, હવે 2019માં ફરીથી લઈને આવી ગયા.
તેઓએ કહ્યું કે કોંગ્રેસની દેવામાફીનું સત્ય એ જ છે કે વચેટીયાઓનું ભલુ થાય છે અને ખેડૂતો ફરીથી દેવામાં ડુબી જાય છે. 100માંથી 25-30 ખેડૂતોને જ તેનો લાભ મળી શકે છે. હમણા તો તેનાથી પણ ઓછા ખેડૂતોને તેનો લાભ મળી રહ્યો છે. આ ભેદભાવનો રસ્તો મોદીને મંજૂર નથી.