સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ મામલો મધ્યસ્થી માટે સોંપી દીધો. સેવાનિવૃત્ત ન્યાયાધીશ એફ એમ કલિફુલ્લાને સુપ્રીમ કોર્ટે મધ્યસ્થી કરનારા પેનલના મુખિયા નિયુક્ત કર્યા છે. સાથે જ મધ્યસ્થી માટે બે અન્ય સભ્ય શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રી રામ પંચૂ હશે. એક સપ્તાહમાં આ પ્રક્રિયા શરૂ થઈ જશે. કોર્ટે કહ્યું છે કે, ચાર સપ્તાહમાં મધ્યસ્થી પેનલે જણાવવાનું રહેશે કે વાત ક્યાં સુધી પહોંચી છે.
જસ્ટિસ કલીફુલ્લા
સેવાનિવૃત્ત જસ્ટિસ કલીફુલ્લાનું આખુ નામ ફકીર મોહમ્મદ કલીફુલ્લા છે. તેમનો જન્મ 23 જુલાઈ 1951એ તમિલનાડુના શિવગંગા જિલ્લામાં થયો હતો. તેઓએ 20 ઓગસ્ટ, 1975એ વકીલ તરીકે પોતાના કરીયરની શરૂઆત કરી હતી. 2 માર્ચ 2000એ તેમને મદ્રાસ હાઈકોર્ટના જજ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ફેબ્રુઆરી 2011એ તે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના સભ્ય બન્યા હતા અને બે મહિના બાદ તેમની નિયુક્તિ કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ તરીકે થઈ હતી. સપ્ટેમ્બર 2011એ તેમને જમ્મુ-કાશ્મીરના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા. 2 એપ્રીલ 2012એ તેમને સુપ્રીમ કોર્ટમાં નામિત કરવામાં આવ્યા. તે 22 જુલાઈ 2016એ સર્વોચ્ચ ન્યાયાલયમાંથી સેવાનિવૃત્ત થયા છે.
શ્રી શ્રી રવિશંકર
શ્રી શ્રી રવિશંકરનો જન્મ 13 મે 1956એ થયો હતો. વ્યવસાયે તેઓ આધ્યાત્મિક ગુરુ છે. તેમની સંસ્થાનું નામ આર્ટ ઑફ લિવિંગ છે. જેની સ્થાપના તેઓએ 1981માં કરી હતી. તેમની સંસ્થા લોકોને સામાજિક સમર્થન પ્રદાન કરે છે. ફક્ત ચાર વર્ષની ઉંમરમાં રવિશંકર શ્રીમદ્ધભગવદ્દગીતાના શ્લોકોના પાઠ કરતા હતા.
બાળપણથી જ તેઓએ ધ્યાન કરવાનું શરૂ કરી દીધું હતુ. તેઓ વેદ વિજ્ઞાન વિદ્યાપીઠ, શ્રી શ્રી સેન્ટર ફૉર મીડિયા સ્ટડીઝ, શ્રી શ્રી કૉલેજ અને આયુર્વેદિક સાયન્સ એન્ડ રિસર્ચ, શ્રી શ્રી મોબાઈલ એગ્રીકલ્ચરલ ઈનિસિએટીવ્સ અને શ્રી શ્રી રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ચલાવે છે. તેમને ભારત સરકારે 2016માં પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા હતા.
શ્રી રામ પંચુ
શ્રી રામ પંચુ એક વરિષ્ઠ વકીલ છે અને ઘણા કેસોમાં મધ્યસ્થીની ભૂમિકા નિભાવી ચુક્યા છે. તે મધ્યસ્થી ચેમ્બરના સંસ્થાપક છે જે કોઈ મામલે મધ્યસ્થીની સેવા પ્રદાન કરે છે. તે એસોસિએશન ઑફ ઈન્ડિયન મીડિયએટરના અધ્યક્ષ અને ઈન્ટરનેશનલ મીડિએશન ઈન્સ્ટીટ્યૂટ બોર્ડ ઑફ ડાયરેક્ટરના સભ્ય છે.
તેઓએ 2005માં ભારતનું પહેલુ કોર્ટ દ્વારા મધ્યસ્થી કેન્દ્ર સ્થાપિત કર્યું હતુ અને મધ્યસ્થીને ભારતની કાયદા પ્રણાલીનો ભાગ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તેઓએ ભારતના વિભિન્ન ભાગોમાં વાણિજ્યિક, કૉર્પોરેટ અને અનુબંધ સંબંધી ઘણા મોટા અને પેચીદા મામલાઓમાં મધ્યસ્થીની ભૂમિકા નિભાવી છે.