લોકસભા ચૂંટણી સાવ નજીક છે ત્યારે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશા પટેલે આખરે ભાજપનો કેસરિયો ખેસ પહેરવાનો નિર્ણય કર્યો છે. આવતીકાલે પાટણ ખાતે તેઓ ભાજપમાં વિધિવત્ રીતે જોડાશે. આશા પટેલે ઊંઝાના બાલાજી રિસોર્ટ ખાતે આજે સમર્થકો સાથે બેઠક કરી હતી અને તેમના મંતવ્યો લીધા હતા. સમર્થકોએ અને કાર્યકરોએ મંજૂરી આપતા આશા પટેલે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. આવતીકાલે શુક્રવારે પાટણ ખાતે ભાજપના સંમેલનમાં જીતુ વાઘાણી અને મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં આશા પટેલ ભાજપનો ખેસ ધારણ કરશે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની નેતાગીરીથી નારાજ થયેલા આશા પટેલે અવારનવાર હાઈકમાન્ડનું ધ્યાન દોર્યું હતું, પણ કોઈ ઉકેલ ન આવતા આખરે તેમણે કોંગ્રેસને અલવિદા કહેવાનું નક્કી કર્યું હતું. કોંગ્રેસ પર આકરાં પ્રહારો કરતાં આશા પટેલે જણાવ્યું હતું કે, હું કોંગ્રેસમાં વારંવાર અપમાનનો ભોગ બની છું. કોંગ્રેસના મારા અનેક સાથીદારો મારા આ અપમાનના સાક્ષી રહ્યા છે.
કોંગ્રેસના લોકો દ્વારા મારા અંગે અનેક પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે તેવો આરોપ પણ આશા પટેલે લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, મને પદ કે પૈસાનો કોઈ મોહ નથી. ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી યાદવાસ્થળી જેવી સ્થિતિ સર્જાઈ છે અને આશા પટેલની જેમ અન્ય કેટલાંક ધારાસભ્ય પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને તેમની કામ કરવાની પદ્ધતિથી ઘણા નારાજ હોવાનું પણ જાણવા મળ્યું છે.
સૂત્રોનો દાવો છે કે, ભાજપ આશા પટેલને આગામી લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતારી શકે છે. આશા પટેલ ઊંઝા વિસ્તારમાં સારું પ્રભુત્વ ધરાવે છે અને પાટીદાર ફેક્ટર તેમને કામ આવી શકે છે. આ તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને લોકસભાની ચૂંટણીમાં તેમને ટિકિટ મળે તેની પ્રબળ શક્યતા રહેલી છે.