ગાંધીનગરઃ ઉંઝાથી કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસમાં તેમને મનાવવાની ગતિવિધિઓ તેજ કરી દીધી છે. એક તરફ કોંગ્રેસ આશાબેન પટેલને મનાવવાની ઓફરો આવી રહી છે તો બીજી તરફ એવી પણ ચર્ચાએ વેગ પકડ્યો છે કે આશાબેન પટેલ આગામી લોકસભા ચૂંટણી અગાઉ ભાજપમાં જોડાઇ શકે છે.
આ પ્રકારની અટકળો પાછળ રાજીનામા દરમિયાન આશાબેન પટેલે વડાપ્રધાન મોદીના કરેલા વખાણ જવાબદાર છે. આશા પટેલના રાજીનામાને લઈ ગુજરાત કોંગ્રેસ મંત્રી નરેન્દ્ર પટેલે ભાજપ સાથે આશાબેન પટેલે સોદો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
નરેન્દ્ર પટેલે જણાવ્યું કે આશાબેન પટેલે ભાજપ સાથે 20થી 22 કરોડ રૂપિયામાં સોદો કર્યો છે. આશાબેન પટેલે કોંગ્રેસ અને પાટીદારો સાથે દગો કર્યો છે.
વિધાનસભા ચૂંટણીમાં આશાબેન પટેલને ઉંઝા બેઠક પરથી ચૂંટણી જીતવામાં મદદ કરનારા ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા વંદના પટેલે જણાવ્યું હતું કે, આશાબેને ભાજપ સાથે સોદો કરી કોંગ્રેસ છોડ્યું છે. આશાબેને ભાજપ શાસિત ઉંઝા એપીએમસી પર કબજો કરવા માટે કોંગ્રેસ છોડ્યું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આશાબેન પટેલ ભાજપમાં જોડાય તેને લઇને સ્થાનિક ભાજપના નેતાઓ પણ રાજી નથી. પૂર્વ ધારાસભ્ય અને ઉંઝા ભાજપના નેતા નારાયણ લલ્લુભાઇ પટેલે આશાબેન પટેલ ભાજપમાં ન જોડાય તેવું ઇચ્છી રહ્યા છે.
આશાબેન પટેલને મનાવવાને લઇને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરી આશાબેન પક્ષમાં પાછા ફરશે તેવી આશા વ્યક્ત કરી હતી. પરેશ ધાનાણીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, અમને વિશ્વાસ છે કે આશાબેન કોંગ્રેસમાં પરત ફરશે.
નોંધનીય છે કે આશાબેન પટેલ અગાઉ મહેસાણાના સાંસદ રહી ચૂકેલા જીવાભાઇ પટેલ પણ સ્થાનિક સ્તરે પક્ષમાં જૂથવાદ અને અસંતોષના કારણે પક્ષ છોડી ચૂક્યા છે. બીજી તરફ કોંગ્રેસ પણ આશાબેન પટેલને પાછા પક્ષમાં લાવવા માંગે છે અને આ માટે કોંગ્રેસના એક ડઝનથી વધારે ધારાસભ્યોએ ગાંધીનગરમાં ધામા નાંખીને દિવસભર બેઠકો કરી હતી. બીજી તરફ કોંગ્રેસે આશાબેન પટેલને લોકસભાની ચૂંટણીમાં મહેસાણા બેઠક પરથી ઉમેદવાર બનાવવાની ઓફર પણ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે આશાબેન પટેલના સમર્થકોએ તેમનો ખૂબ વિરોધ કર્યો હતો. રાજીનામું આપ્યા બાદ કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. જેને પગલે કેટલાક સમર્થકોએ આશાબેન પટેલના કાર્યાલયમાં તોડફોડ કરી હતી.