દેશમાં લોકસભા ચૂંટણીને લઈ રાજનીતિક દળોનો ચૂંટણી પ્રચાર ચરમ પર છે. સોમવારે મહારાષ્ટ્રના દિંડોરી જિલ્લામાં પ્રધાનમંત્રી મોદીએ એક જનસભાને સંબોધિત કર્યું. પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે 2014થી પહેલા ભારતમાં અવાર-નવાર દેશના અલગ-અલગ ખુણામાં બોમ્બ ધડાકા થતા હતા અને ત્યારે પોતાને ખુબ જ અનુભવી જણાવનારી કોંગ્રેસ અને એનસીપીની સરકાર ફક્ત શોક સભાઓ કરતી હતી અને દુનિયામાં પાકિસ્તાનના નામે રોતી હતી. પરંતુ આજે દરેક આતંકીને ખબર છે કે જો ભારતના કોઈ પણ ભાગમાં બ્લાસ્ટ કર્યો, તો આ મોદી છે, તે તેમને પાતાળમાં પણ શોધીને સજા આપશે અને તેમને ખતમ કરશે.
તેઓએ રાફેલ વિવાદ પર કહ્યું કે કોંગ્રેસ એચએએલને લઈ અફવાઓ ફેલાવી રહી છે જ્યારે કોંગ્રેસે તો એચએએલને ખતમ કરી દીધી હતી. મોદીએ કહ્યું કે, અમે નવા-નવા ડિફેન્સ કૉરિડોર બનાવીને તેને તાકાત આપી રહ્યા છીએ અને તમે લખીને રાખો 10 વર્ષમાં તેની તાકાત બેઘણી-ત્રણગણી થઈ જશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે ફક્ત સરકાર નહીં, દરેક હિન્દુસ્તાની છાતી પહોળી કરીને ઉભો છે. દુનિયામાં ભારત અને ભારતવાસિયોની આ જય જયકાર તમારા એક વોટના કારણે થઈ રહી છે. આ તમારા વોટની તાકાત છે કે આજે ભારત પોતાની સામે રહેલા પડકારોનો મજબૂતાઈથી સામનો કરી રહ્યું છે.
કોંગ્રેસને ઘેરતા તેઓએ કહ્યું કે, કોંગ્રેસ વચેટીયાઓને ફાયદો પહોંચાડવા માટે પાકની કિંમતો સાથે રમત રમે છે. જેવી મોંઘવારી જરા પણ વધે છે. કોંગ્રેસ પોતાના દરબારીઓને મધ્યમ વર્ગની ગૃહિણીયોની પાસે મોકલીને ઈન્ટરવ્યૂ કરાવે છે.