અમદાવાદઃ વડાપ્રધાન મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસ પર આવી રહ્યા છે. આજે વડાપ્રધાન મોદી અમદાવાદના જાસપુર ખાતે ઉમિયા ધામનું ખાત મૂહર્ત કરશે. તે સિવાય વડાપ્રધાન મોદી ગુજરાતના સૌથી મોટા એવા મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે. જેના બાદ મેટ્રો ટ્રેન સામાન્ય જનતા માટે ખુલ્લી મૂકવામા આવશે. દરમિયાન વડાપ્રધાન મોદી મેટ્રોની મુસાફરી પણ કરશે.
નોંધનીય છે કે અમદાવાદના મેટ્રો પ્રોજેક્ટને 2005માં કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. 14 વર્ષ પછી આજે મેટ્રોના પ્રથમ તબક્કામાં 6.5 કિમીનો વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીના રૂટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ધાટન કરશે.
મેટ્રોના ભાડા અંગેની જાહેરાત ઉદ્ધાટન બાદ કરવામાં આવશે. પ્રથમ 10 દિવસ સુધી લોકો મેટ્રોમાં મફતમાં મુસાફરી કરી શકશે. આ અગાઉ મોદી બપોરે ત્રણ વાગ્યે વૈષ્ણોદેવી ખાતે વિશ્વના સૌથી મોટા મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામ સંકુલનું ભૂમિપૂજન કરશે. આ ભૂમિપૂજનમાં રાજ્ય અને વિશ્વભરમાંથી
5 લાખથીવધુ કડવા પટેલો પધારવાના છે. વિશ્વ ઉમિયા ધામ અમદાવાદના જાસપુર ખાતે 100વિઘા જમીનમાં રૂપિયા 1000 કરોડના ખર્ચે તૈયારથશે. આ સંકુલમાં મંદિર ઉપરાંત શૈક્ષણિક, આરોગ્ય અને છાત્રાલય સિવાયની સુવિધાઓ ઉપલબ્ધ થવાની છે.
ઉપરાંત જામનગરમાં જી.જી.હોસ્પીટલ ખાતે નવા બિલ્ડીંગ, રેડીયોલોજી વિભાગ ઉપરાંત આજી-3થી જામનગર સુધીની પાઇપ લાઇન યોજના સહિતના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવશે. 10 કરોડ લીટર પ્રતિદિન ક્ષમતાનો ડીસેલીનેશન પ્લાન્ટ જામનગર જિલ્લાના જોડીયા ગામ ખાતે સ્થપાશે જેનું ખાતમુહૂર્ત મોદીના હસ્તે કરવામાં આવશે.
નોંધનીય છે કે મેટ્રોના કુલ બે રૂટ છે. જેમાં ઇસ્ટ-વેસ્ટ કોરિડોર વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી, જેનું અંતર 21.16 કિમી, અને 6.53 કિમી ટનલ અને 14.63 કિમીનો એલિવેટેડ કોરિડોર છે. નોર્થ-સાઉથ કોરિડોરમાં એપીએમસીથી મોટેરા ગામ સુધી 18.87 કિલોમીટરનો એલિવેટેડ કોરિડોર ઉપરાંત બે ડેપો એપરલ પાર્ક અને ગ્યાસપુર ખાતે છે.
મેટ્રોમાં પેસેન્જરોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા કોઈ પેસેન્જર ટ્રેક પર ન પડે તે માટે દરેક પ્લેટફોર્મ પર ‘પ્લેટફોર્મ સ્ક્રીનગાર્ડ’ લગાવાશે. જે ટ્રેન આવશે ત્યારે જ ખૂલશે અને પેસેન્જર ટ્રેનમાં બેસે ત્યાર બાદ ઓટોમેટિક બંધ થઈ જશે.