ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે દરેક પક્ષ જોરોશોરોથી પ્રચાર કરી રહ્યો છે. મતદારોને રીઝવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી પણ ગુજરાતના પ્રવાસે છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુજરાતમાં આવી રહ્યા છે. તેઓ બપોરે કેશોદમાં સભાને સંબોધશે. સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રી મોદીએ આ વખતે રાષ્ટ્રવાદના મુદ્દાને પ્રાધાન્ય આપીને સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇકના મુદ્દાને પોતાના પ્રચારસભામાં ગજવ્યો છે. સંબોધનમાં આ દરેક વસ્તુઓનો ઉલ્લેખ જરૂરથી કરે છે. ગઇ કાલે તેઓએ હિમંતનગરમાં મતદાતાઓને રીઝવ્યા હતા તો આજે તેઓ અમરેલીમાં સંબોધન કર્યુ હતુ
તો બીજી તરફ રાહુલ ગાંધી રોજગારી અને ખેડૂતો જેવા મુદ્દાને લઇને ગ્રામીણ મતદાતાઓને કોંગ્રેસ તરફ વાળવા પ્રયત્નશીલ છે, આ સભા બાદ તરત જ રાહુલ ગાંધી સાંજે ભૂજમાં પણ એક બીજી ચૂંટણી સભા સંબોધવાના છે. જો કે આ બન્ને નેતાઓ એક જ સમયે ગુજરાતમાં હોય તેવું નહીં બને કારણ કે નરેન્દ્ર મોદી સવારે અમરેલીની સભા પૂર્ણ કરીને બપોર પહેલા જ ગુજરાતથી પરત જશે જ્યારે રાહુલ ગાંધી બપોર બાદ ગુજરાતમાં પ્રવેશ કરશે. પરંતુ એક જ દિવસે બન્ને નેતાઓનું સૌરાષ્ટ્રમાં હોવું એ ખૂબ મોટી અસર ઊભી કરી શકે તેમ છે.
રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધીને પણ ગુજરાતના પ્રવાસે લાવવાનું આયોજન કર્યુ હતું. પણ,પ્રિયંકા ગાંધી પાસે ઉત્તરપ્રદેશની ચૂંટણીની જવાબદારી ઉપરાંત યુપીમાંથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બંને ચૂંટણી લડતા હોવાથી એક દિવસથી વધારે સમય ગુજરાતને ફાળવી શકે તેમ નથી. તેથી કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે પ્રિયંકા ગુજરાતના પ્રવાસથી દૂર રહેશે. અગાઉ પ્રિયંકા ગુજરાતમાં પ્રચાર કરવાના હતા.