ઘણી બેઠકો બાદ મધ્ય પ્રદેશની કમાન કમલનાથને સોંપવામાં આવી છે. જ્યારે રાજસ્થાનમાં મુખ્યમંત્રીની કમાન અશોક ગેહલોતના હાથમાં અપાઈ છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રીના પદને લઈ અશોક ગેહલોત અને સચિન પાયલટમાં મુકાબલો થયો હતો. છત્તીસગઢના મુખ્યમંત્રીનું એલાન પણ આજે થઈ શકે છે.
દિવસ દરમિયાન મુખ્યમંત્રીના નામ માટે ચાલેલા મંથન બાદ આજે ગેહલોતના નામ પર રાહુલ ગાંધીએ મહોર લગાવી દીધી છે. છેલ્લા ત્રણ દિવસથી ચાલેલી રાજકીય ગતિવીધી બાદ આજે રાજસ્થાનના સીએમ અને ડે. સીએમના નામ પર મહોર લાગી છે. જાણો દિવસ દરમિયાન કેવી રહી ગતિવિધિ…
રાહુલ ગાંધીના ઘરે પહોંચી પ્રિયંકા
પ્રિયંકા ગાંધી વાડ્રા રાહુલ ગાંધીના નિવાસ સ્થાન પર પહોંચી છે. જ્યાં રાજસ્થાનના મુખ્યમંત્રીને લઈ બેઠક શરૂ થશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણએક દિવસથી ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રીની પસંદગી કરવાને લઈ બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે, જ્યાર બાદ આખરે મધ્યપ્રદેશની કમાન કમલનાથ સંભાળશે તેવી જાહેરાત પણ કરી દેવાઈ છે.
રાહુલ ગાંધીને મળશે સચિન પાયલટ
રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ હશે, તેના પર હજુ પણ મંથન ચાલી રહ્યુ છે. સચિન પાયલટ એક વાક ફરીથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. આશા વ્યક્ત કરાઈ રહી છે કે બપોર સુધીમાં રાજસ્થાનના મુખ્યમંત્રીનુ નામ જાહેર કરી દેવામાં આવશે. તદ્દપરાંત સચિન પાયલટ ભવંર જિતેન્દ્ર સિંહ સાથે પણ મુલાકાત કરશે.
17 એ શપથ લેશે કમલનાથ
ત્રણ દિવસની તડામાર બેઠકો બાદ આખરે મધ્યપ્રદેશના નાથ કમલનાથ હશે તેવી જાહેરાત કરી દેવાઈ છે. કમલનાથ 17 ડિસેમ્બરે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લેશે. લાલ પરેડ ગ્રાઉન્ડમાં શપથ સમારોહનું આયોજન કરવામાં આવશે.