જયપુરઃ મધ્યપ્રદેશમાં કમલનાથને મુખ્યમંત્રી બનાવ્યા બાદ આખરે રાજસ્થાનમાં પણ કોગ્રેસ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દીધી છે. લાંબા સમયના સસ્પેન્સ બાદ અશોક ગેહલોતને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
જ્યારે સચિન પાયલટને રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તે સિવાય સચિન પાયલટ રાજસ્થાન કોગ્રેસના અધ્યક્ષ પણ બની રહેશે. મુખ્યમંત્રી બન્યા બાદ અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે અને બેરોજગાર યુવાઓને રોજગારી આપવા પર ધ્યાન આપીશુ.
અશોક ગેહલોત રાહુલ ગાંધીની ખૂબ નજીકના હોવાનું માનવામાં આવે છે. વાસ્તવમાં વર્ષ 2008માં જ્યારે કોગ્રેસ બહુમતના આંકડાથી પાંચ બેઠકો દૂર હતી ત્યારે મુખ્યમંત્રી તરીકે તત્કાલિન પ્રદેશ અધ્યક્ષ સીપી જોષીનું નામ આગળ ચાલી રહ્યું હતું ત્યારે પણ પાર્ટીએ અશોક ગેહલોત પર વિશ્વાસ રાખ્યો હતો.
રાજસ્થાનમાં બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા ગેહલોતનો પરિવાર માળી સમાજમાંથી આવે છે. તેમનો પરિવાર એક જમાનામાં જાદૂગરના કરતબ કરતો હતો. ગુજરાતના પ્રભારી તરીકે ગેહલોતે પાર્ટીને જીતના દરવાજા સુધી લાવી દીધી હતી અને આ રીતે તેઓ રાહુલ ગાંધીના નજીકના વ્યક્તિ તરીકે ઉભર્યા હતા.
અશોક ગેહલોત પર સૌ પ્રથમ નજર ઇન્દિરા ગાંધીની નજર પડી હતી. જ્યારે પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)માં વિદ્રોહ બાદ પૂર્વોત્તરમાં શરણાર્થી સંકટ પેદા થયું હતું. ગેહલોતની ઉંમર ત્યારે 20 વર્ષની હતી અને ઇન્દિરા ગાંધીએ તેમને રાજકારણમાં આવવાની તક આપી ત્યારબાદ ગેહલોતને અખિલ ભારતીય કોગ્રેસ કમિટિના ઇન્દોર ખાતેના સંમેલનમાં ભાગ લીધો અને તેમની મુલાકાત સંજય ગાંધી સાથે થઇ હતી.
કોગ્રેસના સંગઠન મહાસચિવ અશોક ગેહલોત કોગ્રેસના કેન્દ્રિય રાજનીતિની સાથે સાથે રાજસ્થાનમાં પણ સતત સક્રીય છે. ગેહલોતનો જન્મ 3 મે 1951માં જોધપુરમાં થયો હતો. ગેહલોતના પિતા લક્ષ્મણસિંહ ગેહલોત જાદૂગર હતા. ગેહલોતે સાયન્સ અને કાયદામાં ગેજ્યુએટ થયા અને અર્થશાસ્ત્રમાં પોસ્ટ ગેજ્યુએટ કર્યું.
ગેહલોત સ્ટુડન્ટ રાજનીતિમાં પણ સક્રીય થઇ ગયા હતા. કોગ્રેસના વિદ્યાર્થી સંગઠન એનએસયૂઆઇ સાથે રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. ગેહલોત વર્ષ 1973થી1979 વચ્ચે રાજસ્થાન એનએસયુઆઇના અધ્યક્ષ રહ્યા. વર્ષ 1979થી 1982 વચ્ચે જોધપુર શહેર જિલ્લા કોગ્રેસ કમિટિના અધ્યક્ષ રહ્યા. વર્ષ 1982માં ગેહલોત કોગ્રેસના પ્રદેશ મહાસચિવ બન્યા હતા.
ગેહલોતને ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને પીવી નરસિમ્હા રાવની સરકારમાં કામ કરવાનો અનુભવ છે. 1982થી લઇને 1998 સુધી પાંચ વખત જોધપુરથી સાંસદ રહ્યા છે. ત્રણ વખત કોગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રહેલા ગેહલોત ત્રણ વખત કેન્દ્રિય મંત્રી પણ રહી ચૂક્યા છે. રાજસ્થાન વિધાનસભાની 200 બેઠકોમાંથી કોંગ્રેસે 101 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે જ્યારે ભાજપને માત્ર 72 બેઠકો મળી છે.