અમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સવર્ણોમાં આર્થિક રીતે પછાત વર્ગ (ઈબીસી) માટે શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામતની જોગવાઈ કરી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટે અનામતની ટકાવારી વધારીને 54 ટકા કરવાની માંગણી કરી છે.
અલ્પેશ ઠાકોરે પોતે ગુરૂવારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને મળવા જવાની પણ જાહેરાત કરી. આ મુલાકાત દરમિયાન ઠાકોર સમાજને માન નથી આપતું તે અંગે રજૂઆત કરાશે અને સંગઠનના મુદ્દા પણ ચર્ચવામાં આવશે એવી જાહેરાત ઠાકોરે કરી હતી.
અલ્પેશ ઠાકોરે આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, દેશમાં સવર્ણ સમાજને 10 % અનામત આપવાનો નિર્ણય લેવાયો તેને આવકારૂં છું અને ગરીબ લોકોને લાભ થાય તેવી આશા રાખું છું. તેમણે કહ્યું કે, અમિર સમાજનાં ગરીબ લોકો માટે આ વિચારણા છે ત્યારે અમારી પણ માગણી છે કે, અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટેની યોજનાઓનું અમલીકરણ થાય.
ઓબીસીમાં શિક્ષણનો અભાવ છે તેના માટે શિક્ષણ ક્ષેત્રનો વિકાસ થવો જોઈએ. સરકારી સ્કૂલોમાં શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે તેને સુધારવી જોઈએ. ઓબીસી વિદ્યાર્થીઓ ને સ્કોલરશીપ ઓછી આપવામાં આવે છે તે પણ વધારવી જોઈએ. આ મામલે સરકાર નક્કર પોલિસી બનાવે, સરકાર સર્વે કરે અને ગરીબ પરિવારને લાભ થાય તે માટે વિચારણા કરે.
અલ્પેશ ઠાકોરે આક્ષેપ કર્યો કે, ગુજરાત સરકારે બનાવેલા સવર્ણ આયોગ અને બક્ષી પંચનાં ધારાધોરણોમાં ઘણો ફરક છે. સવર્ણ આયોગે તેની યોજનાઓનો લાભ લેવા માટે વાર્ષિક રૂપિયા 3 લાખ ની આવક મર્યાદા નક્કી કરી છે જ્યારે ઓબીસી માટે આવક મર્યાદા 1.50 લાખ રૂપિયા છે. ધોરણ 12 બાદ ઉચ્ચ અભ્યાસ માટે લોન લેવા 60 ટકાથી વધુ હોવા જોઈએ અને તેની આવક મર્યાદા 4 લાખ છે જ્યારે ઓબીસી માટે આવક મર્યાદા 1.50 લાખ રૂપિયા છે.
આ જોગવાઈ જે ગ્રામ્ય અને શહેરના વિદ્યાર્થીઓ માટે અન્યાય સમાન છે. ગુજરાતની રૂપાણી સરકાર પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, ભાજપના નેતા જ્યંતિભાઈ ભાનુશાળીની હત્યાના કેસમાં સીઆઈડી તપાસ કરે અને આ ઘટનાએ સાબિત કર્યું છે કે, ગુજરાત સુરક્ષિત નથી.