પાલનપુર: રાધનપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોર પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે પણ તેમના સમાજમાંથી જ તેમની સામે વિરોધ ઉઠ્યો છે. રવિવારે આ અંગે મળેલી એક બેઠકમાં ઠાકોર સમાજનાં જે બે જૂથો આમને-સામને આવી ગયાં હતાં. આ બેઠકમાં ગરમી વધી જતાં છેવટે બેઠક વહેલી સમેટી લેવાની ફરજ પડી હતી.
લોકસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજને મહત્વ મળે તે માટે આજે રવિવારે પાલનપુરમાં ઠાકોર સમાજ દ્વારા એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉત્તર ગુજરાતની તમામ બેઠકો પર ઠાકોર સમાજના લોકોને ટિકિટ આપવાની માગ સાથે ચર્ચા ચાલી રહી હતી ત્યારે અલ્પેશ ઠાકોરનું નામ લેવાતાં હોબાળો થયો હતો.
અલ્પેશ ઠાકોર બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા માગે છે તેવો ઉલ્લેખ કરાતાં કેટલાક લોકો ઉકળી ઉઠ્યા હતા. આ મુદ્દે ઉગ્ર બોલાચાલી થતાં સમાજના આગેવાનો આમને-સામને આવી ગયો હતો અને સભા અસ્તવ્યસ્ત થઈ જતાં સંકેલી લેવી પડી હતી
આ બેઠકમાં અલ્પેશ ઠાકોરના સમર્થકોએ ટિકિટની માગ કરતાં ગરમાગરમીનાં દ્રશ્યો સર્જાયાં હતાં. આ વાતનો જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પોપટજી ઠાકોરે વિરોધ નોંધાવ્યો હતો. પોપટજી ઠાકોરે, લોકસભાની ટિકિટ બહારના માણસને ના આપવી જોઈએ એવી ટીકા કરી હતી. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના સમર્થકો પણ બેઠકમાં હાજર હતા. તેમણે આ નિવેદનનો ઉગ્ર વિરોધ કરતાં અરાજકતા સર્જાઈ હતી.
લોકસભા આગામી ચૂંટણી માટે કોંગ્રેસે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી છે, ત્યારે અલ્પેશ ઠાકરોને મળતા મહત્વથી ઠાકોર સમાજમાંજ તેના વિરોધીઓ નારાજ છે. કોંગ્રેસની કેમ્પેઈન કમિટીના ચેરમેનપદે સિધ્ધાર્થ પટેલ છે જ્યારે કો-ઓર્ડિનેટર તરીકે અલ્પેશ ઠાકોર છે.
કોંગ્રેસે દ્વારા લોકસભાની ચૂંટણી માટે સાત સમિતીઓ બનાવાઈ છે. આ પૈકી તમામ સમિતીમાં અલ્પેશ ઠાકોરનો સમાવેશ કરાયો છે. આ કારણે ઠાકોર સમાજમાં પણ અલ્પેશ ઠાકોરને જ કોંગ્રેસ મહત્વ આપે છે તેવો સૂર ઉઠ્યો છે. ઠાકોર સમાજના કેટલાક નેતાઓએ આ મામલે પહેલાં પણ વિરોધ નોંધાવ્યો હતો.