નવી દિલ્હીઃ રાજસ્થાન, છત્તીસગઢમા ભવ્ય જીત મેળવ્યા બાદ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. તે સિવાય મધ્યપ્રદેશમાં પણ કોગ્રેસનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું.
રાહુલ ગાંધીએ મિઝોરમ અને તેલંગણામાં થયેલી પાર્ટીની હારનો સ્વીકાર કર્યો હતો અને સાથે આ રાજ્યમાં જીત મેળવનારા પક્ષોને જીત બદલ શુભકામના પાઠવી હતી.
રાહુલ ગાંધીએ ત્રણ રાજ્યમાં મળેલા વિજય પર કહ્યું હતું કે, આ જીત કોગ્રેસના કાર્યકર્તાઓની જીત છે. હું તમામ કાર્યકર્તાઓ અને નેતાઓનો આભાર માનું છું.
રાહુલ ગાંધીએ ચૂંટણીમાં સમર્થન કરનારા તમામ લોકોનો આભાર માન્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ જીત ખેડૂતો, બેરોજગારોની જીત છે, ખેડૂતોને આપવામાં આવેલા વચનો પુરા કરવામાં આવ્યા નથી.
મધ્યપ્રદેશમાં ગઠબંધન કરવાના સવાલ પર રાહુલે કહ્યું કોગ્રેસ, બહુજન સમાજવાદી પાર્ટી, સમાજવાદી પાર્ટીની વિચારધારા એક છે. વિપક્ષ એક છે અને અમે સાથે મળીને લડીશું.
રાહુલે કહ્યું કે ભ્રષ્ટાચારના મુદ્દા પર વડાપ્રધાન નિષ્ફળ રહ્યા છે. રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર થયો છે. વડાપ્રધાન મોદી રોજગાર, ખેડૂતો, ભ્રષ્ટાચારના મુદ્દા પર ચૂંટાઇને આવ્યા હતા પરંતુ તેઓ તેમાં નિષ્ફળ રહ્યા છે. મોદી રોજગાર આપી શક્યા નથી.
રાહુલે કહ્યું કે, લોકોના મનમાં છે કે મોદી ભ્રષ્ટ છે. રાફેલમાં ભ્રષ્ટાચાર થયો છે તે એક હકીકત છે. રાફેલનું સત્ય સામે આવશે. અમે હાલ ભાજપને હરાવ્યું છે અને 2019માં પણ અમે ભાજપને હરાવીશું. અમારી લડાઇ ભાજપની વિચારધારા વિરુદ્ધ છે. દેશને અમે ભાજપ મુક્ત નહીં કરીએ. રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારી સરકાર બનતા ખેડૂતોના દેવામાફીનું કામ શરૂ કરી દેવામાં આવશે.
રાહુલે કહ્યું કે, નોટબંધી એક કૌભાંડ છે. ઇવીએમ પરના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ચૂંટણીમાં ભલે અમારી જીત થઇ હોય પરંતુ ઇવીએમ પરનો અમારો વિરોધ યથાવત છે. મોદીએ પાંચ વર્ષ અગાઉ એક સ્વપ્ન વેચ્યું હતું પરંતુ તેનું પાલન તેઓ કરી શક્યા નથી.
ગઠબંધનને લઇને કોગ્રેસ ઉદાર છે. 2014ની લોકસભા ચૂંટણીમાંથી મેં ઘણુ શીખ્યું હતું. મોદીનું વચન પુરુ નહી થવાના કારણે લોકો નારાજ છે. દેશ માટે ભાજપ પોતાની નીતિઓમાં નિષ્ફળ રહી છે.