રાજકોટઃ છેલ્લા બે દિવસથી રાજકોટનાં મુંજકા ખાતે આવેલી આર્ષ વિદ્યા મંદિરમાં ચાલી રહેલી હિન્દુ મહાસભામાં આજે શુક્રવારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ હાજર રહ્યા હતા. આ મહાસભામાં અયોધ્યામાં રામમંદિરના નિર્માણ મુદ્દે ચર્ચા કરાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. અમિત શાહે મીડિયા સાથે વાત કરવાનો ઈન્કાર કર્યો હતો અને મહાસભાની પણ પત્રકારોને દૂર રખાયા હતા.
આ હિન્દુ મહાસભામાં અમિત શાહની સાથે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટનાં એરપૉર્ટ પર ભાજપના સીનિયર નેતા અને રાજ્યસભાના સભ્ય સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામમંદિર જલદી બનવુ જોઇએ કેમ કે, રામ મંદિર એ હિન્દુઓનો અધિકાર છે.
હું ધર્મસભામાં પણ રામ મંદિર મુદ્દે વાત કરીશ. જસદણ વિધાનસભા પેટાચૂંટણીમાં કોણ જીતશે તે અંગે પૂછવામાં આવતા સુબ્રમમણ્યમ સ્વામીએ કહ્યું કે, આ સવાલ અમિત શાહને પૂછવો જોઈએ. કોંગ્રેસની ટિકીટ પર જીતેલા બાવળિયા પક્ષપલટો કરીને ભાજપમાં આવ્યા તે અંગેના સવાલના જવાબમાં સ્વામીએ કહ્યું કે, આ મુદ્દે અમિત શાહ જવાબ આપે એ વધારે યોગ્ય કહેવાય.
આ ધર્મસભામાં હાજરી આપવા ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ રાજકોટ એરપોર્ટ પહોંચ્યા ત્યારે પોલીસે મીડિયાને તેમનાથી દૂર રાખ્યું હતું. એરપોર્ટની બહાર પણ અમિત શાહે મીડિયા સાથે વાતચીત કરવાનું ટાળ્યું હતુ.
અમિત શાહના કાર્યક્રમમાં પણ મીડિયા માટે નૉ એન્ટ્રી રખાઈ હતી. મહાસભા સાથે સંકળાયેલાં સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે અમિત શાહે લોસકભાની 2019ની ચૂંટણીમાં રામમંદિર મુદ્દે શું કરવું તે અંગે સંતો-મહંતો સાથે ચર્ચા કરી હતી. દેશના 70 જેટલા સંતો-મહંતો સાથે મળીને શાહે રામ મંદિર ઉપરાંત 2019ની લોકસભાની ચૂંટણી અંગે બીજા મુદ્દા પણ ચર્ચ્યા હતા.
આ મહાસભામાં ગુરુવારે પ્રથમ દિવસે હિન્દુઓને સ્પર્શતા કેટલાક મુદ્દે ચર્ચા થઇ હતી. શિક્ષણમાં ધર્મનું મહત્વ, હિંદુ ધર્મને અભ્યાસમાં સામેલ કરવા રજૂઆત, પંજાબમાં ડ્રગ્સ-ત્રાસવાદની સ્થિતિ તથા હિન્દુ ધર્મનો પ્રચાર-પ્રસાર કરવા માટે શું કરવું તે અંગે ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત કાશ્મીરની પરિસ્થિતિ અંગેનું પ્રેઝન્ટેશન પણ રજૂ કરાયું હતું.
રાષ્ટ્રીય હિન્દુ ધર્મ મહાસભાના પ્રથમ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત રાજકોટ આવ્યા હતા. તેના કારણે આર્ષ વિદ્યામંદિરમાં ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ સભામાં આમંત્રિતો સિવાય કોઈ પણ વ્યક્તિને પ્રવેશ નિષેધ કરાયો છે.